લાપિનોઝ સેન્ટરમાં બોક્સ ખોલતા જ પિઝામાંથી નીકળ્યા જીવડા, સ્ટાફે ભૂલ સ્વીકારી માંગી માફી

ગુજરાત

અમદાવાદીઓ, જો તમે બ્રાન્ડેડ પિઝા ખાવા જાવ તો એકવાર જરૂરથી ચેક કરજો. કારણ કે, હવે આ બ્રાન્ડેડ પિઝામાં પણ જીવજંતુઓ મળવા લાગ્યા છે. શહેરના બોપલ વિસ્તારમાં લાપિનોઝના પિઝામાં જીવજંતુ જોવા મળ્યા બાદ આજે ફરીવાર શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં ગુજરાત કોલેજ પાછળ આવેલા લાપિનોઝ પિઝામાં બપોરે એક યુવક અને તેના અન્ય મિત્રો પિઝા ખાવા માટે ગયા હતા.

આ દરમિયાન, પિઝા બોક્સ ખોલતા જ તેમાંથી નાના જીવડાઓ નીકળ્યા હતા. જેને લઇને યુવકે ત્યાંના સ્ટાફને ફરિયાદ કરી હતી. તો તેમણે તાત્કાલિક પિઝા પાછો લઈ લીધો અને તેમનાથી ભૂલ થઈ ગઈ હતી તેમ સ્વીકાર્યું હતું. આ મામલે તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અને પોલીસને જાણ કરતા પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી. સ્ટાફ દ્વારા તેમને રિફંડ આપવાની વાત કરવામાં આવી હતી.

વૃશાંક ડોબરીયા નામના યુવકે જણાવ્યું કે, આજે બપોરે તે પોતાના પાંચ મિત્રો સાથે એલિસબ્રિજ વિસ્તારમાં ગુજરાત કોલેજ પાછળ આવેલા લાપિનોઝ પિઝા સેન્ટરમાં પિઝા ખાવા માટે ગયો હતો. એક લાર્જ પિઝા અને એક સ્મોલ પિઝા મંગાવ્યો હતો. જ્યારે બંને પિઝા આવ્યા અને બોક્સ ખોલ્યું તો સ્મોલ પિઝામાંથી નાની નાની 10 થી 15  જીવાત નીકળી હતી. જે જોઇ અમે ચોંકી ગયા હતા.

પિઝામાંથી જીવડા નીકળતા જ ત્યાંના સ્ટાફને અમે જણાવ્યું હતું. ત્યારે તેમણે પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી હતી અને પિઝા પાછો લઈ લીધો હતો અને તેમણે અમને રિફંડ આપવાની વાત કરી હતી. પરંતુ, આ મામલે પોલીસ અને કોર્પોરેશનમાં પણ ફરિયાદ નોંધી હતી જેથી પોલીસ પણ ત્યાં આવી હતી.

અમદાવાદ શેહરમાં અનેક હોટલ અને રેસ્ટોરન્ટમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે. હોટલના રસોડામાં ગંદકીના કારણે ખાવામાં જીવાત જેવી વસ્તુ પડી જતી હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની કામગીરી વિરુદ્ધ હાલ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

કારણ કે, આવી મોટી બ્રાન્ડેડ કંપનીના પિઝા સેન્ટરોમાં આવરનવાર આવી ઘટનાઓ બનતી હોય છે. હોટલના રસોડાઓમાં ગંદકી હોવા છતાં ત્યાં કોઈપણ પ્રકારની કાર્યવાહી થતી નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના ઇન્સ્પેક્ટરો માત્ર સામાન્ય દંડ લઈ અને કાર્યવાહી કરી હોવાનું બતાવી દે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *