સુરતમાંથી પસાર થતો નેશનલ હાઈવે હવે અકસ્માતોનું ‘ઘર’ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, દરરોજ અકસ્માતના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે ગત મોડી રાત્રે નેશનલ હાઈવે નંબર 48 પર કોસંબા તરફ જતા રોડ પર એક પછી એક 10 વાહનો અથડાયાની ઘટના સામે આવી છે. જેથી લોકોના ટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત શહેરમાં મુસાફરો પાસેથી પૈસા વસૂલતી વખતે હાઈવે પર જોખમી રીતે લકઝરી બસો ઉભી રહી જવાની અનેક ઘટનાઓ અગાઉ પણ બની ચૂકી છે. ત્યારે માહિતી મળી રહી હતી કે, હાઈવે પર મુસાફરો ભરવા માટે ઉભી રાખેલી લક્ઝરી બસને કારણે આ અકસ્માત થયો હતો. લકઝરી બસ અચાનક બંધ થતાં જ એક પછી એક વાહનો અથડાયા હતા.
આ અકસ્માત 4 લક્ઝરી બસ, 4 કાર અને 2 ટ્રક વચ્ચે થયો હતો. અકસ્માતમાં અનેક વાહન ચાલકોને ગંભીર ઈજાઓ થઈ હોવાનું પણ સામે આવી રહ્યું છે. અકસ્માત બાદ ક્ષણિક અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો.
બીજી તરફ રોડ પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ, નેશનલ હાઈવે પર મુસાફરો ભરવા માટે વાહનો ઊભા રાખી દેવામાં આવે છે જેના કારણે નેશનલ હાઈવે પર રોજેરોજ અકસ્માતો સર્જાઈ રહ્યા છે, જેને નિયંત્રણમાં લેવા અને ચેકિંગ કરવા માંગ કરવામાં આવી છે.