ઇરાકના નિનેવેહ પ્રાંતના અલ-હમદાનિયા જિલ્લામાં મંગળવારે એક લગ્નમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 100 લોકોના મોત નિપજ્યાં છે અને લગભગ 150 લોકો ઘાયલ થયા છે. નેવેહ પ્રાંત મોસુલની બહાર સ્થિત છે, જે રાજધાની બગદાદથી લગભગ 335 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં છે. ઈરાકી ન્યૂઝ એજન્સી નીનાના રિપોર્ટ મુજબ, આગમાં મૃત્યુ પામનારાઓમાં વરરાજા અને દુલ્હનનો પણ સમાવેશ હોવાનું જાણવા મળ્યું છે.
જોકે, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ, પ્રાથમિક અહેવાલમાં ફટાકડા સળગવાના કારણે આગ લાગી હોવાનું જણાય છે. ઈરાકી ન્યૂઝ એજન્સી નીના દ્વારા પોસ્ટ કરવામાં આવેલા ફોટામાં અગ્નિશામકો આગ ઓલવવાનું કામ કરી રહ્યા છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર સ્થાનિક પત્રકારોની તસવીરોમાં ઈવેન્ટ હોલના બળેલા અવશેષો પણ દેખાઈ રહ્યા છે.
ઈરાકના સિવિલ ડિફેન્સ ડિરેક્ટોરેટે જણાવ્યું હતું કે, આગ બિલ્ડિંગમાં હાજર જ્વલનશીલ સામગ્રીના કારણે લાગી હતી. ઈરાકી સમાચાર એજન્સી નીનાએ અહેવાલ આપ્યો હતો. ઈરાક સિવિલ ડિફેન્સ ડિરેક્ટોરેટના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અત્યંત જ્વલનશીલ, ઓછી કિંમતની બાંધકામ સામગ્રીને કારણે લાગેલી આગને કારણે હોલના કેટલાક ભાગો થોડી જ મિનિટોમાં તૂટી પડ્યા હતા. રોઇટર્સના સંવાદદાતા દ્વારા ઘટનાસ્થળ પર આવેલ વિડિયોમાં અગ્નિશામકોને બચી ગયેલા લોકોની શોધમાં ઇમારતના કાટમાળ પર ચડતા દર્શાવવામાં આવ્યા હતા.
ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, બિલ્ડિંગમાં આગ સ્થાનિક સમય અનુસાર લગભગ 10:45 વાગ્યે લાગી હતી. તે સમયે સેંકડો લોકો લગ્નમંડપમાં લગ્નની ઉજવણી કરી રહ્યા હતા. સત્તાવાર નિવેદનો અનુસાર, ઈરાકી સત્તાવાળાઓએ એમ્બ્યુલન્સ અને તબીબી ટીમોને ઘટનાસ્થળે મોકલી દીધી હતી.
ઈરાકના વડાપ્રધાન મોહમ્મદ શિયા અલ સુદાની દ્વારા અધિકારીઓને દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી પ્રભાવિત લોકોને રાહત આપવા માટે તમામ પ્રયાસો કરવા જણાવવામાં આવ્યું છે. ઇરાકના પીએમ કાર્યાલય દ્વારા એક્સ પર એક પોસ્ટમાં માહિતી આપવામાં આવી હતી.