હાલમાં મહારાષ્ટ્રના થાણેમાં સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે પર સોમવારે મોડી રાત્રે એક અકસ્માત થયો હતો. શાહપુર નજીક સરલામ્બે ખાતે હાઈવે પર પુલના નિર્માણ દરમિયાન ગર્ડર લોન્ચિંગ મશીન પડી જતાં 17 મજૂરોના મોત નિપજ્યાં હતા.
રાત્રીના સમયે હાઇવે પર બાંધકામની કામગીરી ચાલી રહી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગાર્ડ મશીન લગભગ 1:30 વાગ્યે 100 ફૂટની ઊંચાઈથી નીચે પડી ગયું હતું. હજુ પણ કેટલાક મજૂરો તેની નીચે દટાયા હોવાની આશંકા છે.
NDRFના આસિસ્ટન્ટ કમાન્ડર સારંગ કુર્વેએ જણાવ્યું કે, સવારે 5:30 વાગ્યાથી બચાવ અભિયાન ચાલી રહ્યું છે. જોકે, ગર્ડર મશીનનું ભારે વજન વધુ હોવાથી તેને ઝડપથી હટાવી શકાયું ન હતું. સવારે 8 વાગ્યે ક્રેન આવ્યા બાદ બચાવ કાર્યમાં ઝડપ આવી હતી. અહેવાલો અનુસાર, શાહપુર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 15 મૃતદેહો લાવવામાં આવ્યા છે.
આ ઘટના અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, મૃતકોના પરિવારને 5 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. આ એક કમનસીબ ઘટના છે. એક સ્વિસ કંપની અહીં કામ કરતી હતી. આ ઘટનાની તપાસ માટે નોટિસ જારી કરવામાં આવી છે.