કાર અને ટ્રેક્ટર વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં એક જ પરિવારના 3 લોકોના કરૂણ મોત – ૐ શાંતિ

ગુજરાત

રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટના વધી રહી છે. જેમાં હજારો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે આવો જ એક ગમખ્વાર અકસ્માત જામનગર નજીક બનતા ચકચાર મચી છે. કાલાવડ-જામનગર હાઈવે પર ઇકો કાર અને ટ્રેક્ટર વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં ઇકોમાં સવાર એક જ પરિવારના ત્રણ લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ ઈજાગ્રસ્તોને સારવાર માટે જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, જામનગર તાલુકાના મસિતિયા ગામના મુસ્લિમ સમાજના પીર એવા સૈયદ આમનશા બાપુ મટારી તેમના પરિવાર સાથે ધોરાજીથી ઇકોમાં પરત આવી રહ્યા હતા. આ દરમિયાન, જામનગર-કાલાવાડ હાઇવે પર મોટી માટલી ગામ નજીક ઈકો કાર અને ટ્રેક્ટર વચ્ચે મોડી રાત્રે ટક્કર થઇ હતી.

અકસ્માતની જાણ થતાં જ મોટી માટલી ગામના સરપંચ સહિત ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બાદમાં પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી.

અકસ્માત એટલો ભયંકર હતો કે, ઇકો કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને એમાં સવાર સૈયદ આમનશા બાપુ મટારી સહિત તેમના પરિવારના સૈયદ આબેદામાં અને સૈયદ ઝેનબમાંનાં ઘટનાસ્થળે જ મોત થયા હતાં. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બે લોકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે જી.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, મધરાતે કાલાવડ-જામનગર હાઇવે પર થયેલા ગોઝારા કાર અને ટ્રેક્ટર વચ્ચેના અકસ્માતમાં સૈયદ પરિવારમાંથી 2 મહિલા અને 1 પુરુષનું મોત નીપજ્યું છે. અકસ્માતના સમાચાર મળતા જ સમગ્ર મુસ્લિમ સમગ્ર સમાજ તેમજ મસિતિયા ગામમાં માતમ છવાયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મુસ્લિમ પરિવાર જામનગરનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *