આજકાલ અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે ફરીવાર એક ભયંકર અકસ્માત સામે આવ્યો છે. ગઈકાલે રક્ષાબંધનના પવિત્ર દિવસે ગુજરાતમાં બનેલી એક કાળજો કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે જે ઘટનામાં ત્રણ યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ ભયંકર અકસ્માતની ઘટના પાટણ જિલ્લામાં વહેલી સવારે બની હતી.
મળતી માહિતી મુજબ, ટ્રકની પાછળ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતમાં કારમાં બેઠેલા ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા. પાટણ જિલ્લાના હાઇવે માર્ગ પર છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ વધી ગઈ છે.
ગઈકાલે રાધનપુર સોનલનગરમાં રહેતા હસમુખભાઈ છગનભાઈ ઠક્કર, પીન્ટુભાઈ સોમાભાઈ રાવળ અને દશરથભાઈ જેહાભાઈ રાવળ નામના ત્રણ યુવકો પૂનમ હોવાથી ચોટીલા ફરવા ગયા હતા. પછી રસ્તામાં તેને એક ભયંકર અકસ્માત નડ્યો. મળતી માહિતી મુજબ, સમી-શંખેશ્વર હાઈવે પર વહેલી સવારે એક ટ્રક પસાર થઈ રહી હતી. તે દરમિયાન એક વેગેનાર કાર ટ્રકની પાછળ ધડાકાભેર અથડાઈ હતી.
અકસ્માતમાં કારમાં બેઠેલા હસમુખભાઈ પીન્ટુભાઈ અને દશરથભાઈનું મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે આસપાસના લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટના અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટના બનતા જ ત્રણ લોકોના મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં બેઠેલા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા.