હાલમાં ગુજરાતમાંથી એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. પંચમહાલ જિલ્લાના ધોધંબા તાલુકાના ગજપુર ગામમાં એક કરુણ ઘટના બની છે. અહીં ચાર માસૂમ બાળકો પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે. આ ઘટના બનતા જ સમગ્ર ગામમાં માતમ છવાયો હતો. આ સમગ્ર ઘટના આજે વહેલી સવારે બની હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, બાળકો રમતા રમતા પાણી ભરેલા ખાડામાં ન્હાવા પડ્યા હતા. આ દરમિયાન, ચારેય બાળકો પાણીમાં ડૂબી જતાં મૃત્યુ પામ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો, પોલીસ અને સ્થાનિક તરવૈયાઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ પછી સ્થાનિક તરવૈયાઓની મદદથી બાળકોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
ઘટનાસ્થળે પુત્રોના મૃતદેહ જોઈને પરિવારજનો ધ્રૂસકે ધ્રુસકે રડી પડ્યા હતા. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર દરેક લોકો રડી પડ્યા હતા. મૃતક બાળકોની ઉંમર 10 થી 12 વર્ષની વચ્ચે હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનામાં 10 વર્ષના સંજય વીરભાઈ બારિયા, 11 વર્ષના રાહુલ રમેશભાઈ બારિયા, 9 વર્ષના પરસોત્તમ રાજુભાઈ બારિયા અને 11 વર્ષના અંકિત અરવિંદભાઈ બારિયાના મોત નીપજ્યા હતા. ગામના ચાર માસૂમ બાળકોના મોતથી સર્વત્ર શોકનો માહોલ છવાઈ ગયો હતો.
જાણવા મળ્યું છે કે, આજે વહેલી સવારે ચારેય બાળકો પાણીથી ભરેલા ખાડા પાસે રમી રહ્યા હતા. જેમાંથી બે બાળકો પાણીમાં ઉતર્યા હતા. આ દરમિયાન, બંને ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. જેથી બંનેને બચાવવા અન્ય બે બાળકો પણ પાણીમાં કૂદી પડ્યા હતા. પરંતુ, તે દરમિયાન ચારેય બાળકો એકસાથે પાણીમાં ડૂબી જતાં ચારેયના અચાનક મોત નિપજ્યા હતા.
આ બનાવ બનતા જ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે આવી પહોંચી હતી. હાલ પોલીસ દ્વારા બનાવ અંગે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.