ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આત્મહત્યાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે સુરત શહેરમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં સાતમા ધોરણમાં અભ્યાસ કરતી પુત્રીએ આપઘાત કરી લીધો છે. ઘટના બાદ આજે પુત્રીનો પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ઘટના સમયે પુત્રીના માતા-પિતા ઘરે હાજર ન હતા.
જ્યારે ભાઈ બાથરૂમમાં નાહવા ગયો ત્યારે દીકરીએ ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું હતું. મૃત્યુ પામેલી દિકરીની ઉંમર માત્ર 12 વર્ષની હતી. આ ઘટના સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાંથી સામે આવી રહી છે. આ વિસ્તારમાં રહેતા રત્નકલાકારની 12 વર્ષની દીકરીએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું.
દીકરીએ કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે હજુ કોઈ માહિતી સામે આવી નથી. મળતી માહિતી મુજબ, પાંડેસરા વિસ્તારમાં આવેલી કર્મયોગી સોસાયટીમાં આ ઘટના બની હતી. અહીં પતરાવાળા મકાનમાં રૂમની અંદર એંગલ પર દુપટ્ટો અને રૂમાલ વડે માત્ર 12 વર્ષની બાળકીએ ગળાફાંસો ખાઈ લીધો હતો.
જાણવા મળ્યું છે કે, અનિલ સિંહ રત્ના કલાકાર તરીકે કામ કરે છે અને તેની પત્ની અનુરાધા શૂટ કટીંગનું કામ કરે છે. તેમને સંતાનમાં 12 વર્ષની દીકરી બંદના અને 7 વર્ષનો દીકરો શિવા છે. આ ઘટના બની ત્યારે ભાઈ-બહેન ઘરે એકલા જ હતા. ભાઈ બાથરૂમમાં નાહવા ગયો ત્યારે બહેને રૂમનો દરવાજો અંદરથી બંધ કરી લીધો હતો અને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.
આ સમગ્ર ઘટના બન્યા બાદ લોકોએ 108ને ફોન કર્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી 108ની ટીમ દ્વારા બાળકીની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ ઘટનાની જાણ પાંડેસરા પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને વધુમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.