હાલમાં સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક 14 વર્ષના છોકરાએ 36 કલાક સીધી તોફાની દરિયામાં જીવન અને મૃત્યુની લડાઈ જીતી લીધી. લખન નામનો છોકરો 36 કલાક લાકડાની મદદથી સમુદ્રમાં રહ્યો અને ગણપતિજીએ પણ તેમની રક્ષા કરી.
મળતી માહિતી મુજબ, સુરતના મોરાભાગળનો 14 વર્ષનો દીકરો લખન વિશાલભાઈ દેવીપુજક ગઈકાલે અંબાજી દર્શન બાદ ડુમ્મસના દરિયા કિનારે ન્હાવા પડતા પૂનમની ભરતીના પાણીના પ્રવાહમાં તણાયો હતો. સમગ્ર ઘટના અંગે જાણ થતા દેવીપુજક સમાજના અગ્રણી સુરેશભાઈ વાઘેલા દ્વારા તાત્કાલિક ડુમસ પોલીસનો સંપર્ક કરી શોધખોળ કામગીરી માટે જાણ કરવામાં આવી હતી. પોલીસ અને વહીવટી તંત્રની સતર્કતા અને સતત પ્રયત્નોને કારણે લખન વિશાલભાઈ દેવીપુજક જામનગર અને વલસાડના દરિયા વચ્ચે બીલીમોરાના ભાટપોર નજીક લાકડાના સહારે તરતો મળી આવ્યો હતો.
નવસારી SP સુશીલ અગ્રવાલ દ્વારા આ ઘટના વિશે જણાવવામાં આવ્યું કે, શુક્રવારે ગણેશ વિસર્જન દરમિયાન 14 વર્ષનો લખન સુરતના ડૂમસ બીચથી દરિયાના ઉંડા પાણીમાં ડૂબી ગયો હતો. જોકે, લખન ડરવાને બદલે દરિયાના પાણીમાં તરતો રહ્યો હતો અને થોડા સમય બાદ દરિયામાં લાકડું મળતાં તે પાટ પર બેસી ગયો હતો. સુરતમાં ડૂબેલો લખન સતત 36 કલાક સુધી દરિયામાં પાણી અને ભોજન વિના તરતો રહ્યો હતો. જે બાદ ડૂમસથી 60 કિમી દૂર નવસારીના ધોલાઇ બંદર નજીક જોવા મળ્યો હતો.
SP દીપ વકીલ દ્વારા સતત શોધખોળ જારી રાખવામાં આવી હતી. બાળકના બચાવ માટે સ્પીડ બોટની જરૂર પડતાં તાત્કાલિક હજીરા સ્થિત એલ એન્ડ ટી અને અદાણી પોર્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો. બપોરથી અદાણી પોર્ટ, રિલાયન્સ તેમજ સ્થાનિક માછીમાર ભાઈઓ સાથે મળી અન્ય બોટ વલસાડથી રવાના થઈ હતી. તેમણે કહ્યું કે, 36 કલાકમાં દરિયામાં લખન 22 નોટિકલ માઇલ દૂર નવસારી પહોચ્યો હતો.
આ દરમિયાન, માછીમારોની નજર તેના પર પડતા તેઓ તાત્કાલિક બોટ તેની પાસે લઈગયા હતા અને તેને બચાવી લીધો હતો. માછીમારો દ્વારા લખનને તેમની બોટમાં બેસાડી પોલીસ પ્રશાસનનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને સવારે 5 વાગ્યે બોટમાં લખનને લઈને ધોલાઈ પહોંચ્યા હતા.
પિતાને સમાચાર મળ્યા કે, તેમનો પુત્ર દરિયામાંથી જીવતો મળ્યો છે અને તેને કાંઠે લાવવામાં આવ્યો છે. જાણ થતાં જ તે નવસારીના ધોલાઈ બંદરે પહોંચ્યા હતા અને પુત્રને ક્યારે લવાશે તેની રાહ જોઈ રહ્યા હતા. થોડા સમય રાહ જોયા બાદ પુત્ર લખનને જીવતો લઈને માછીમારોની બોટ કાંઠે આવી પહોંચી હતી. બાદમાં લખનને સહીસલામત બોટમાંથી નીચે ઉતારવામાં આવ્યો.
જે પુત્રની ડેડબોડીની રાહ જોવાતી હતી તે આંખ સામે જીવતો જોવા મળતા પિતા તેને ભેંટીને રડી પડ્યા હતા. આ સમયે નવસારી પોલીસની ટીમ પણ બંદરે આવી પહોંચી હતી. લખન 3 દિવસ બાદ દરિયા માંથી જમીન પર પહોંચતા જ ડોકટરોની ટીમ દ્વારા તાત્કાલિક તેની સારવાર કરવામાં આવી હતી. દરિયામાં 36 કલાક સુધી જિંદગી અને મોતની લડાઈ લડી ચુકેલા લખનની તબિયત હાલ સ્થિર હોવાનું સામે આવ્યું છે.