સુરત: ગણેશ વિસર્જન માટે ખોદવામાં આવેલા ખાડામાં પડતા 5 વર્ષના બાળકનું નીપજ્યું મોત – ૐ શાંતિ

ગુજરાત

સુરત શહેરના ડિંડોલી વિસ્તારના નવાગામમાં ગણેશ વિસર્જન માટે ખોદવામાં આવેલા ખાડામાં પાંચ વર્ષનો બાળક પડી ગયો હતો. ડૂબી જવાથી બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ મામલે પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, સુરતના ડીંડોલી વિસ્તારના નવા ગામમાં ગણેશ મહોત્સવ પૂર્ણ થયા બાદ ગણેશ વિસર્જન માટે સ્થાનિકો દ્વારા 10 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. ખાડો ખોદી તેમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જન પૂર્ણ થયા બાદ આ ખાડો એમ જ હતો. આ દરમિયાન સત્યમ નામનો પાંચ વર્ષીય બાળક રમતા રમતા 10 ફૂટ ઊંડા ખાડામાં પડી ગયું હતું. ખાડાની ઊંડાઈ વધુ હોવાથી બાળક ખાડામાં ડૂબી ગયું હતું.

આ દરમિયાન, સત્યમ ઘરમાં તેમજ આસપાસ ક્યાંય નહીં મળતા સ્થાનિક અને માતા પિતાદ્વારા સત્યમની શોધ ખોળ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન, સત્યમ આ 10 ફૂટ ઊંડા ખાડામાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ACP, DCP સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા.

આ ઉપરાંત લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલને જાણ થતા તેઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોની બેદરકારીને કારણે એક માસૂમ બાળકની જિંદગી બુજાઈ ગઈ હતી. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે કહ્યું કે, ‘આ મામલે તપાસમાં કોઈ કચાશ છોડવામાં આવશે નહીં અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.’

મળતી માહિતી મુજબ, ગણેશ વિસર્જન માટે તંત્ર દ્વારા જુદાં જુદાં પ્રકારની તૈયારીઓ કરવામાં આવી હતી. તેમ છતાં ડીંડોલીમાં જમીનમાં ખાડો ખોદીને ગણપતિના વિસર્જન કરવામાં આવ્યું હતું. જેની વિરુદ્ધ સ્થાનિકો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો. તેમ છતાં ગણપતિનું વિસર્જન અહીં કરવામાં આવ્યું હતું. જેના કારણે આજે 5 વર્ષનો સત્યમ આ પાણી ભરેલા ખાડામાં ડૂબી જતા સ્થાનિક લોકોમાં ભારે રોષ ભરાયો હતો. સ્થાનિક લોકો દ્વારા ખાડો ખોદનાર વિરુદ્ધ કડક પગલાં ભરવા અને મરનાર બાળકને ન્યાય માટેની માંગ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *