હાલ ચોમાસું ચાલી રહ્યું છે ત્યારે બફારાને કારણે જમીનમાંથી જીવાત નીકળી રહી છે. આ જંતુઓ રક્ષણ માટે આપણી રહેણીકરણીની ચીજવસ્તુઓમાં છુપાઇ જાય છે. ત્યારે અમદાવાદમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. આ યુવક આજે સવારે શહેરમાં બાઇક પર જઇ રહ્યો હતો, ત્યારે અચાનક તેની નજર બાઇકની પેટ્રોલની ટાંકી પર રહેલા કાળા સાપ પર પડી, ત્યારબાદ યુવકે તરત જ બાઇકને રોડ નીચે ફેંકી દીધી. બાદમાં એનિમલ રેસ્ક્યુ ટીમને જાણ કરી હતી. રેસ્ક્યુ ટીમે ઘટના સ્થળે પહોંચીને સાપનું રેસ્ક્યૂ કર્યું હતું.
યુવક બાઇક લઇને ઇન્કમટેક્સ ચાર રસ્તા પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે ટાંકી પાસે એક સાપ આવ્યો હતો, તેણે તરત જ બાઇકને ફેંકી દીધી હતી અને નીચે પડી ગયો હતો. સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. માહિતી મળતાં જ એનિમલ રેસ્ક્યુ ટીમના વિજય ડાભી ત્યાં પહોંચી ગયા હતા. બાઇક સવાર યુવક ગભરાઇ ગયો અને લોકોના ટોળા એકઠા થઇ ગયા. બાઇકના બોનેટમાં સાપ ફસાઇ ગયો હતો. તેને તરત જ સ્નેકેટનની મદદથી બચાવી લેવામાં આવે છે.
બાઇક સવારને ખબર નહોતી કે તેની સાથે સાપ સવારી કરી રહ્યો છે. રેસ્ક્યૂ કરાયેલો સાપ કાળોતરો ઝેરીમાં ઝેરી સાપ છે. તેમાં ન્યુરોટોક્સિન નામનું ઝેર હોય છે, જે માનવ નર્વસ સિસ્ટમને અસર કરે છે. જો કોઈ વ્યક્તિ સાપ કરડવાથી સમયસર હોસ્પિટલ ન પહોંચે તો તેનું મૃત્યુ થઈ શકે છે. ખાસ કરીને આ સાપની જીભનો રંગ લાલ હોય છે જે અન્ય સાપ કરતા અલગ હોય છે.
કાળા સાપની ગણતરી ભારતના સૌથી ઝેરી સાપમાં થાય છે. દોઢ ફૂટ લાંબા કાળા (ક્રેટ) સાપ માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોને સાપ વિશે માહિતી આપી. ખાસ કરીને બાઇક પર સાપ જોવા મળતાં હોબાળો મચી ગયો હતો. સ્થાનિક લોકોને વિજય ડાભીએ ભયમુક્ત કર્યા હતા. તેમણે પોતે ક્યારેય ઓળખ વિના સાપ ન પકડવાની સલાહ આપી હતી.