હાલમાં રાજ્યમાંથી માતા-પિતા માટે એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. ગોંડલના બગીચામાં અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ વર્ષનો બાળક હિંચકામાં હિંચકા ખાવા માટે બેસવા ગયો તે જ દરમિયાન બાળક હિંચકા પરથી પડી જતાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ દરમિયાન બાળકને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને બાળક લોહીલુહાણ હાલતમાં હતું. જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, ગોંડલના એસઆરપી કેમ્પ પાસે રહેતા વિપુલભાઈ પરમારનો પાંચ વર્ષનો પુત્ર જયવીર ઘર પાસેના બગીચામાં રમવા ગયો હતો. જ્યાં હિંચકા ખાવા માટે હિંચકામાં બેસવા જતાં પડી ગયો હતો. જેના કારણે તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી.
આ પછી, જાણ થતાં પરિવારના સભ્યોને પણ બોલાવવામાં આવ્યા હતા. જયાં સગાસંબંધીઓ દ્વારા કોઇપણ વિલંબ કર્યા વગર બાળકને ગોંડલ સરકારી દવાખાને લઇ જવાયો હતો. પરંતુ બાળકને ત્યાં વધુ સારવારની જરૂર હોવાથી તેને રાજકોટની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
જોકે, બાળકીએ સારવાર દરમિયાન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લેતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. મળતી માહિતી મુજબ, બાળકના પિતા કારખાનામાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. મૃતક જયવીર એક ભાઈ અને એક બહેનમાં નાનો હોવાનું સામે આવ્યું છે.