ડીસામાં બ્રાન્ડેડ કંપનીના નકલી તેલના ડબ્બા બનાવતા ત્રણ લોકો ઝડપાયાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં પોલીસ દ્વારા નકલી તેલના ડબ્બા પેક કરવાનો મુદામાલ કબજે કરી ત્રણેય દુકાન માલિકો વિરુદ્ધ કોપીરાઈટ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડીસા શહેરમાં ઘણા સમયથી નકલી તેલનું વેચાણ વધી રહ્યું હોવાની બાતમી મળતાં એન.કે.પ્રોટીન કંપનીના કર્મચારીઓ દ્વારા ખાનગી રાહે તપાસ શરૂ કરવામાં આવી હતી.
જેમાં ડીસાના રિસાલા બજાર અને ગાંધીચોક વિસ્તારમાં કેટલીક દુકાનોમાં વેપારીઓ નકલી તેલના ડબ્બા વેચતા હોવાની માહિતી મળી હતી, જેથી NK પ્રોટીન્સ કંપનીના કર્મચારી ભૂષણદાણીએ જિલ્લા પોલીસ વડાને જાણ કરી હતી. ત્યારબાદ ડીસા તાલુકા પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને દરોડા પાડવામાં આવ્યા હતા.
NK પ્રોટીન્સ કંપની અને પોલીસની ટીમે ડીસાના રિસાલા બજાર ખાતે જયશ્રી બહુચર ટ્રેડિંગ નામની દુકાનની તલાશી લેતા દુકાનના અડધા ભોંયરામાં નકલી તિરુપતિ કપાસિયા તેલના ડબ્બા મળી આવ્યા હતા. કેન પરના સ્ટીકરો, કેપિંગ માટે ઈલેક્ટ્રિક ગન અને ટાઈગર મસ્ટર્ડ ઓઈલ અને પૂનમ મસ્ટર્ડ ઓઈલના લેબલ પણ અહીં મળી આવ્યા હતા. આથી પોલીસ દ્વારા આ તમામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
ત્યારબાદ ગાંધીચોક વિસ્તારમાં દિવ્યા લક્ષ્મી કરિયાણા સ્ટોર્સ અને શ્રી મારુતિ પ્રોવિઝન સ્ટોરની તપાસ કરવામાં આવી તો ત્યાંથી તિરુપતિ કંપનીના લેબલવાળા નકલી તેલના ડબ્બા પણ મળી આવ્યા હતા, જેથી પોલીસ દ્વારા ત્યાંથી તેલના ડબ્બા, નકલી સ્ટીકર, ડબ્બાના ઢાંકણા કબજે કરવામાં આવ્યા હતા. ડીસા સીટી સાઉથ પોલીસ દ્વારા માલિક સામે કોપીરાઈટ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.