આજકાલ રાજ્યમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે ફરીવાર એક આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે. તેઓ આત્મહત્યા કરી રહ્યા છે તેનું એકમાત્ર કારણ એ છે કે તેમને ગમતું કાર્ય ન થતું હોય. હાલમાં આ મામલો રાજ્યના રાજકોટ જિલ્લામાંથી સામે આવી રહ્યો છે. રાજકોટના રૈયાધાર વિસ્તારમાં રહેતી 18 વર્ષની વિદ્યાર્થિનીએ કોલેજમાં એડમિશન ન મળતાં આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે.
આ ઘટનાની જાણ થતા જ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ દ્વારા લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ વહાલસોયી દીકરીના ભણતરની ચિંતામાં આપઘાત કરતા પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના રૈયાધાર વિસ્તારમાં રહેતી 18 વર્ષની વિદ્યાર્થિનીએ ધોરણ 12 પછી કોલેજમાં એડમિશન ન મળવાથી કંટાળીને આજે સવારે પોતાના ઘરે પંખા સાથે લટકીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ધોરણ 12માં એક વિષયમાં નાપાસ થયા બાદ તેને પૂરક પરીક્ષા પાસ કરવા છતાં કોલેજમાં પ્રવેશ મળતો ન હતો.
વિધાર્થિનીએ આત્મહત્યા કરતા પહેલા લખેલી સુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં લખ્યું છે કે, ‘આજે એડમિશન નહીં મળે તો હું શું કરીશ, તમારા કરતા વધારે મને ટેન્શન છે, કારણ કે ફ્યૂચર તો મારું છે ને.’
એક તરફ રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે જ એક વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો છે. તે આત્મહત્યા કરનાર વિદ્યાર્થીની બે બહેનો અને એક ભાઈમાં મોટી હતી. રક્ષાબંધન પહેલા જ એક ભાઈ અને બહેને તેની વ્લાસોઈ બેન ગુમાવી છે.