ડાયમંડ સિટી સુરતમાંથી એક ચોંકાવનારો નજારો સામે આવ્યો છે. મિની બજારમાં હીરા ઉદ્યોગ ધમધમી રહ્યો છે. જ્યાં અચાનક વાત ફેલાઈ કે હીરા રસ્તા પર પડ્યા છે. જેના કારણે લોકો હીરાની શોધ માટે રસ્તા પર ઉમટી પડ્યા હતા. લોકો હીરા શોધવા માટે મીની બજારથી ખોડિયાર નગર સુધીનો આખો રોડ ખૂંદી વળ્યા હતા. હીરા મળી આવતા કેટલાક લોકો હીરા નકલી હોવાનું જણાવી રહ્યા હતા.
મિની બજારથી ખોડિયાર નગર તરફના રોડ પર અચાનક લોકો એકઠા થઈ ગયા હતા અને હીરાની શોધખોળ શરૂ કરી હતી. જ્યારે લોકોને પૂછવામાં આવ્યું તો તેઓએ જણાવ્યું કે એક વેપારીનું હીરાનું પેકેટ રસ્તા પર પડ્યું હતું. હીરા અમૂલ્ય હોવાથી અને જો તેઓ હાથમાં આવી જાય તો તે રોકડી થઈ જાય, આ માનસિકતા ધરાવતા લોકોએ રીતસરની પડાપડી કરી હતી. આખા રસ્તા ઉપર લોકો રસ્તા ઉપર ધૂળ ખંખેરીને ડાયમંડ શોધતા નજરે પડ્યા હતા.
સુરેશ ગોરાસીયાએ આ અંગે જણાવ્યું હતું કે, સવારે અહીં ડાયમંડનું પડીકું પડી જવાની ચર્ચા શરૂ થઈ હતી અને લોકો એકત્રિત થયા હતા. હું જ્યારે અહીં આવ્યો ત્યારે જોયું તો લોકો રસ્તાઓ સાફ કરી રહ્યા હતા અને ડાયમંડ શોધી રહ્યા હતા. કેટલાક લોકો તો બ્રશ સાથે ધૂળ એકત્રિત કરી રહ્યા હતા. કેટલાક લોકોનું માનવું છે, ઇમરો કરી એમ્રોડરી વાળો કોઈક વ્યક્તિ અહીં ડાયમંડ નાખીને જતો રહ્યો છે.
રીયલ ડાયમંડ હોય તો રોકડી થઈ જાય એવી માનસિકતા સાથે લોકો શોધવા મંડી પડ્યા હતા. કેટલાક વ્યક્તિને ડાયમંડ મળતા તેમણે તપાસી લેતા જણાવ્યું કે, અમેરિકન ડાયમંડ રસ્તામાં કોઈ ફેંકી ગયું હોય તેવું લાગી રહ્યું છે. હાલ રીયલ ડાયમંડ કે સારી ક્વોલિટીના ડાયમંડ નથી પણ ઇમિટેશન જ્વેલરીમાં કે સાડીના કામમાં વપરાતા હોય તેવા ડાયમંડ હોવાની ચર્ચા ચાલી રહી છે.