બાઈક લઈને પત્નીને લેવા જતા પોલીસ હેડ કોન્સ્ટેબલને નડ્યો અકસ્માત, મોત નિપજતા પરિવારમાં છવાયો માતમ – ૐ શાંતિ

સમાચાર

ગુજરાત રાજ્યમાં અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દાહોદમાં એક ભયાનક અકસ્માત પ્રકાશમાં આવી રહ્યો છે. આ અકસ્માતમાં ગરબાડા તાલુકાના જેસાવાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલનું મોત નીપજ્યું છે. પોલીસકર્મીના મોત બાદ તેના પરિવાર અને પોલીસ સ્ટેશનમાં પણ શોકનો માહોલ છવાયો હતો.

સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો મૃતક પોલીસ હેડ કોન્સ્ટેબલનું નામ પ્રવીણ માવી છે અને તે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો. મળતી માહિતી મુજબ, પ્રવીણભાઈ પોતાની ફરજ પૂરી કર્યા બાદ ધાનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી પત્નીને લેવા માટે બાઇક પર નીકળ્યા હતા.

આ દરમિયાન ધાનપુર જતા રોડ પર ખજુરી ચોકડી નજીક પ્રવીણભાઈનું બાઇક ઝાડ સાથે અથડાયું હતું. જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેના કારણે પ્રવીણભાઈને શરીર, હાથ, પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જેના કારણે પ્રવીણભાઈનું કરૂણ મોત નિપજ્યું હતું.

બીજી તરફ લાંબો સમય થવા છતાં પ્રવીણભાઈ ધાનપુર ન પહોંચતા તેમના પત્નીએ તેમનો સંપર્ક શરૂ કર્યો હતો. પરંતુ, પ્રવીણભાઈ ફોન ઉપાડતા ન હતા. જેથી પ્રવીણભાઈના પત્ની અને અન્ય પોલીસકર્મીઓ પ્રવીણભાઈની તપાસ કરવા ગયા હતા.

આ દરમિયાન તેમને ખબર પડી કે, ખજુરી ચોકડી નજીક અકસ્માત સર્જાયો છે અને હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા પ્રવીણભાઈની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

પ્રવીણભાઈના મોતના સમાચાર મળતા જ તેમના પરિવાર અને પોલીસ બેડામાં દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અચાનક જ પ્રવીણભાઈની બાઈક ઝાડ સાથે કેવી રીતે ટકરાઇ તે અંગે કોઈપણ માહિતી હજુ સુધી સામે આવી નથી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *