આજકાલ વધી રહેલી અકસ્માતની ઘટનાઓ દરમિયાન ફરીવાર એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં રવિવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. બસ અને કાર વચ્ચે અથડામણમાં બે પરિવારના છ લોકોના મોત નીપજ્યા હતા જ્યારે અન્ય બે લોકો ઘાયલ થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે કારને ભારે નુકસાન પણ થયું હતું.
આ ભયાનક અકસ્માત રૂપબાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડી રાત્રે બન્યો જ્યારે મૃતક અને અન્ય લોકો ધોલપુર પરત ફરી રહ્યા હતા. પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી અકસ્માતનો ભોગ બનેલા પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, રૂપબાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર અને ખાનગી બસ વચ્ચે અથડામણને કારણે રવિવારે રાત્રે લગભગ 1 વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો.
પીડિતો ખાતુ શ્યામજી મંદિરથી ધોલપુર જિલ્લામાં તેમના ઘરે પરત ફરી રહ્યા હતા. પોલીસ સ્ટેશનના પ્રભારી સિંહે જણાવ્યું કે, ઘટનાસ્થળે બે બળદ પણ મૃત હાલતમાં મળી આવ્યા હતા. આખલાઓની લડાઈને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. તેમણે કહ્યું કે, આ ઘટના અંગે તપાસ કરવામાં આવી રહી છે.
બને સિંહે કહ્યું કે, આ અકસ્માતમાં હરેન્દ્ર સિંહ (32), તેની પત્ની મમતા (30), તેની પુત્રી જ્હાન્વી (6), મમતાની બહેન સુધા (35), તેના પતિ સંતોષ (37) અને પુત્ર અનુજ (5)ના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. તેમણે કહ્યું કે, અકસ્માત પોલીસ સ્ટેશનની નજીક થયો હતો અને ટક્કર બાદ તરત જ પોલીસ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા અને પીડિતોને હોસ્પિટલ લઈ ગયા પરંતુ તેમાંથી છને મૃત જાહેર કરવામાં આવ્યા.
આ અકસ્માતમાં આયેશા (16) અને ભાવેશ (15) નામના બે લોકોને ઈજા થઈ હતી અને કારમાં મુસાફરી કરી રહેલા એક વર્ષના બાળકને કોઈ ઈજા થઈ ન હતી. તેમણે કહ્યું કે, પોસ્ટમોર્ટમ બાદ મૃતકોના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવશે.