બેંગ્લોરના 13 વર્ષના યુવાન બાઇક રેસર શ્રેયસ હરીશનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ચેન્નાઈમાં રેસ દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. પ્રતિભાશાળી રેસર શ્રેયસ હરીશની બાઇકને મદ્રાસ ઇન્ટરનેશનલ સર્કિટ પર અકસ્માત નડ્યો હતો, જેમાં યુવાન રેસર ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માત બાદ તેને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં હરીશનું મૃત્યુ થઈ ગયું હતું.
આ દુ:ખદ ઘટના પછી આયોજક મદ્રાસ મોટર સ્પોર્ટ્સ ક્લબે શનિવાર અને રવિવાર માટે નિર્ધારિત અન્ય રેસ રદ કરી. બેંગલોરની કેનાશ્રી સ્કૂલના વિદ્યાર્થી શ્રેયસનો જન્મ 26 જુલાઈ 2010ના રોજ થયો હતો. શ્રેયસ હરીશ, જે 9 વર્ષની ઉંમરથી બાઇક રેસિંગ કરી રહ્યો છે. તે MRF MMSC FMSCI ઇન્ડિયન નેશનલ મોટરસાઇકલ રેસિંગ ચેમ્પિયનશિપ 2023માં ભાગ લઇ રહ્યો હતો. વર્તમાન સિઝનમાં જ, શ્રેયસે TVS વન મેક ચેમ્પિયનશિપની રુકી કેટેગરીમાં સતત 4 રેસ જીતી છે.
અહેવાલો અનુસાર, રેસની શરૂઆતમાં પ્રથમ વળાંક પાર કરતી વખતે અકસ્માત થયો હતો અને બાઇકે તેનું સંતુલન ગુમાવ્યું હતું. પડી જવાથી શ્રેયસને માથામાં ગંભીર ઈજા થઈ હતી. અકસ્માત બાદ તુરંત જ સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ મુજબ રેસને લાલ ઝંડા સાથે રોકી દેવામાં આવી હતી અને રેસ ત્યાં જ પૂરી કરી દેવામાં આવી હતી.
MMSCના પ્રમુખ અજિત થોમસે જણાવ્યું હતું કે, “આવા યુવા અને પ્રતિભાશાળી રાઇડરને ગુમાવવું દુ:ખદ છે. ઘટના પછી તરત જ, સ્થળ પર તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ સંજોગોમાં, અમે આ સપ્તાહના બાકીના કાર્યક્રમોને રદ કરવાનો નિર્ણય લીધો છે. એમએમએસસી હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરે છે અને અમારા વિચારો તેમના પરિવાર સાથે છે.