આજકાલ વધી રહેલા અકસ્માતના બનાવો દરમિયાન ફરીવાર એક દર્દનાક અકસ્માત સામે આવ્યો છે. સુરતમાં ડમ્પરો સતત અકસ્માતો સર્જી રહ્યા છે અને લોકોના જીવ લઈ રહ્યા છે. ત્યારે હાલ ફરીવાર ડમ્પરે એક અકસ્માત સર્જી મહિલા પોલીસકર્મીને કચડી નાંખી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જણાવી દઈએ કે, મહિલા કોન્સ્ટેબલ ડીસીપી ટ્રાફિક ઓફિસમાં મીટીંગમાં જઈ રહી હતી. મહિલા કોન્સ્ટેબલનું મોત થતાં બે બાળકોએ તેમની માતા ગુમાવી છે.
સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં ચાર રસ્તા પાસે એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ પ્રેમીલાબેનનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. મોપેડને ડમ્પર ચાલકે ટક્કર મારતાં એક મહિલા કોન્સ્ટેબલનું મોત નીપજ્યું હતું. ઈચ્છાપુર પોલીસ દ્વારા સમગ્ર અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, ડમ્પરચાલક દ્વારા પાછળથી ટક્કર મારી કચડી નાખી હતી, જેથી મહિલા કોન્સ્ટેબલનું ગંભીર ઇજા થવાના કારણે મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, કવાસ ગામની ધર્મનંદન સોસાયટીમાં 31 વર્ષીય પ્રેમીલાબેન કમજીભાઈ નિનામા તેના પરિવાર સાથે રહેતી હતી. 6 વર્ષ સુધી તેમણે પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે કામ કર્યું હતું. ઇચ્છાપોર બાદ તેમણે ટ્રાફિક વિભાગની જવાબદારી સોંપવામાં આવી હતી. આજે ડીસીપી ટ્રાફિક ઓફિસમાં મીટીંગમાં હાજરી આપવા જતા હતા ત્યારે ડમ્પરે તેમને અડફેટે લીધા હતા.
પ્રેમીલાબેનના લગ્ન 10 વર્ષ પહેલા થયા હતા અને તેમને સંતાનમાં 9 વર્ષનો પુત્ર અને 7 મહિનાનો પુત્રી છે. પોસ્ટમોર્ટમ બાદ મહીસાગર જિલ્લાના વતની પ્રેમીલાબેનના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે તેમના વતન મહીસાગર ખાતે લઈ જવામાં આવ્યો હતો. પ્રેમીલાબેનના મોતથી પરિવાર અને પોલીસ મથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.