આજકાલ અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત શહેરમાંથી અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, ઉધના વિસ્તારમાં રાત્રિના સમયે રસ્તો ક્રોસ કરી રહેલા યુવકને સિટી બસના ચાલકે અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. ઘટનાને પગલે ઘટનાસ્થળે અનેક લોકો ભેગા થઇ ગયા હતા.
ઘટના બાદ બસચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. બસે યુવકને કચડી નાખતાં રોડ પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. ઘટનાની જાણ ઉધના પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. હાલ આ અકસ્માતના CCTV પણ સામે આવ્યાં છે.
આજકાલ સુરત શહેરમાં BRTS અને સિટી બસ દ્વારા અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે વધુ એક સિટી બસચાલક દ્વારા અકસ્માતની ઘટના ઉધના વિસ્તારમાંથી સામે આવી રહી છે. ઉધનામાં બેફામ દોડતી સિટી બસના ચાલકે એક યુવકને અડફેટે લેતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ઘટના બાદ સિટી બસનો ચાલક બસ લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાને લઈને ત્યાં લોકોનું ટોળું પણ ભેગું થઇ ગયું હતું. અકસ્માત સર્જી બસચાલક બસ સાથે ફરાર થઈ જતાં એકઠા થયેલા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
આ ઉપરાંત, 108ને જાણ કરવામાં આવતા 108ની ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. આ દરમિયાન, યુવકનું મોત થયું હોવાનું જાણવા મળતાં પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. બીજી બાજુ, આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેઝ પણ સામે આવ્યા છે.
અહીં મહત્ત્વનું છે કે, પાલિકા સંચાલિત સિટી અને બીઆરટીએસ બસના કારણે ભૂતકાળમાં અનેક અકસ્માતોની ઘટના બની હતી અને નિર્દોષ લોકોના ભોગ લીધા છે. તેમ છતાં બસચાલકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી લોકોમાં તંત્ર સામે ભારે રોષ પ્રવતી રહ્યો છે.