આજકાલ વધી રહેલી અકસ્માતની ઘટનાઓ દરમિયાન ફરીવાર એક અક્સ્માતની ઘટના સામે આવી છે. જેમાં હરિયાણાના ફરીદાબાદમાં ગઈકાલે રાત્રે એક બેદરકાર બસ ડ્રાઈવરે બાઇક સવાર પિતા-પુત્રને અડફેટે લીધા હતા. અકસ્માતમાં પિતા અને તેના 5 વર્ષના પુત્રનું મોત નીપજ્યું હતું. બીજા 11 વર્ષના પુત્રની હાલત ગંભીર છે અને તેને દિલ્હી રીફર કરવામાં આવ્યો છે. પત્ની જમવા માટે ઘરે ત્રણેયની રાહ જોઈ રહી હતી.
લાંબા સમય પછી પણ તે ઘરે ન આવતાં તેણે તેના પતિને ફોન કર્યો હતો. આ દરમિયાન, પોલીસકર્મીએ ફોન ઉપાડ્યો હતો. આ પછી પરિવારજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને દુ:ખદ અકસ્માતની માહિતી લીધી. જાણવા મળ્યું છે કે, અનિયંત્રિત બસે અન્ય અનેક વાહનોને પણ ટક્કર મારી હતી. ભાગી રહેલા બસ ચાલકે પિતા-પુત્રની બાઇકને પણ ટક્કર મારી હતી.
મળતી માહિતી મુજબ, જૂના ફરીદાબાદની ભૂડ કોલોનીમાં રહેતા અમિત કુમાર રંજન તેમના બે પુત્રો સ્નેહલ રંજન (5) અને શૌર્ય રંજન (11) સાથે બાઇક પર તેમની કંપનીના માલિક આનંદના ઘરે ગયા હતા. બોઝના ઘરે ગણેશ ચતુર્થીની પૂજાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. અમિતે તેની પત્ની પ્રતિભાને કહ્યું કે, તે લગભગ એક કલાકમાં પાછો આવશે અને તેઓ ઘરે જમશે.
અમિતના સાળા અરવિંદે કહ્યું કે, એક કલાક પછી પણ જ્યારે અમિત રંજન બાળકો સાથે ઘરે ન પહોંચ્યો તો તેની પત્ની પ્રતિભા રંજને તેના પતિને ફોન કર્યો. કેટલાક પોલીસવાળાએ ફોન ઉપાડ્યો અને કહ્યું કે તેના પતિને અકસ્માત થયો હતો. તેને તાત્કાલિક પોલીસ સ્ટેશન આવવા માટે કહેવામાં આવ્યું. પહેલા તો તેને લાગ્યું કે આ મજાક છે, પરંતુ ફરીથી પૂછવા પર પોલીસવાળાએ કહ્યું કે તે જલ્દીથી પોલીસ સ્ટેશન પહોંચે.
આ પછી પ્રતિભા તેના પડોશીઓ સાથે પોલીસ સ્ટેશન પહોંચી. આ પછી પ્રતિભાએ તેના પતિના પિતરાઈ ભાઈ મનીષને ફોન કરીને ઘટનાની જાણકારી આપી. જ્યારે મનીષ પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે પોલીસે જણાવ્યું હતું કે, દિલ્હીથી સ્પીડમાં આવી રહેલી એક બસે સેક્ટર 31 બાયપાસ રોડ પર સામેથી અમિત રંજનની બાઇકને ટક્કર મારી હતી.
અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણેયને બાદશાહ ખાન સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા અમિત રંજન અને તેના નાના પુત્ર સ્નેહલ રંજનને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. શૌર્ય રંજનની હાલત નાજુક હોવાથી તેમને સારવાર માટે દિલ્હીના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. ઘટના બાદ ડ્રાઈવર બસ મુકીને ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.