સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલા તળાવમાં 8 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત થયું છે. બાળક તેના મિત્રો સાથે રમવા બહાર ગયો હતો. ત્યારે બાળમિત્રો કંસાડ ગામ પાસેના તળાવમાં ન્હાવા ગયા હતા. જેમાં 8 વર્ષના બાળકનું મોત થયું હતું. તમને જણાવી દઈએ કે, જન્મદિવસના બીજા દિવસે બાળકના મોત બાદ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. બાળકના જન્મદિવસની ઉજવણીના ફોટા પરિવાર માટે અંતિમ સ્મૃતિ બની ગયા છે.
મળતી માહિતી મુજબ, મૂળ ઝારખંડમાં આવેલ છતારા જિલ્લાના કુંભારી ગામના ધીરજકુમાર સિંગ પરિવાર સાથે સચિન વિસ્તારમાં આવેલા માધવદીપ એપાર્ટમેન્ટમાં રહે છે. ધીરજકુમાર સિંગ લૂમ્સના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં બે દીકરા છે. નાનો દીકરો નીતીશ ધોરણ 3માં અભ્યાસ કરે છે.
નીતીશનો જન્મદિવસ 11મી સપ્ટેમ્બરે હતો. તેથી તે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. નીતીશ મિત્રો સાથે રમતો હતો કારણ કે તેનો જન્મદિવસ હતો. તેથી જ તે ગઈકાલે શાળાએ ગયો ન હતો. સાંજે તે તેના મિત્રો સાથે રમવા ઘરેથી નીકળ્યો હતો. આ પછી તમામ મિત્રો કંસાડ ગામ પાસેના તળાવમાં ન્હાવા ગયા હતા. જ્યારે નીતીશ ડૂબવા લાગ્યો તો તેના મિત્રોએ બૂમાબૂમ કરી હતી.
બાળકોની ચીસોના પગલે નજીકમાં કામ કરતા રેલવે કર્મચારીઓ દોડવા લાગ્યા હતા. નીતિશ દ્વારા તેને પાણીમાંથી બહાર કાઢ્યો અને 108ને જાણ કરવામાં આવી હતી. 108 ઘટનાસ્થળે પહોંચી અને નીતિશને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન જાણ થતાં પરિવારજનો પણ દોડી આવ્યા હતા. બાદમાં બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ લઈ જવામાં આવ્યો હતો.
તેમના યુવાન પુત્રના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. હાલમાં નીતિશના જન્મદિવસની ઉજવણીની તસવીરો પરિવાર માટે છેલ્લી યાદ બની ગઈ છે. હાલ સચિન જીઆઈડીસી પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પરિવારના નિવેદન લીધા બાદ પુત્રનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે.