રાજકોટમાં નબીરા ખૂબ જ બેફામ બની ગયા છે. રાજકોટમાંથી જ્યાં અકસ્માતના બનાવો સતત સામે આવી રહ્યા છે, ત્યારે શહેરમાં વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં ચાલકે એક્ટિવાને ટક્કર મારતાં એક્ટિવા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે બાદ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આથી પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, શહેરના યુનિવર્સિટી રોડ પર પૂરપાટ ઝડપે આવી રહેલા એક ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી. કારે એક્ટિવાને ટક્કર મારતાં એક્ટિવા ચાલક 20 ફૂટ દૂર પડ્યો હતો. અકસ્માતને પગલે ત્યાંથી પસાર થતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
પોલીસને જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઇજાગ્રસ્ત એક્ટિવા ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, અકસ્માત થયો ત્યારે કારની સ્પીડ 100 સુધી હતી. હાલ પોલીસ અકસ્માતની તપાસ કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર આવેલી સોમનાથ સોસાયટીમાં સ્કોર્પિયોના ચાલકે પૂરપાટ ઝડપે હંકારીને 3 બાઇક અને ફેરિયાને ટક્કર મારી હતી. ત્યારબાદ સ્કોર્પિયો કાર એક બિલ્ડિંગ સાથે અથડાયા બાદ દિવાલમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં ફેરિયાને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અકસ્માતને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.
આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો હતો. સમગ્ર ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ પણ સોમનાથ સોસાયટીમાં આવી પહોંચી હતી. જે બાદ પોલીસે ડ્રાઇવરનું લાયસન્સ માંગ્યું અને કહ્યું કે, તેની પાસે લાઇસન્સ નથી. જે બાદ સોમનાથ સોસાયટીમાં રહેતા કુલદીપભાઈ સાઓ દ્વારા પણ સ્કોર્પિયોના ચાલક કેવલ રમેશભાઈ ગણોલીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.