ઉત્તરાખંડના ગંગોત્રી હાઈવે પર ગઈ કાલે શ્રદ્ધાળુઓને લઈ જતી બસ ખીણમાં પડી ગઈ હતી. જેમાં ગુજરાતના 35 મુસાફરો સવાર હતા. જે પૈકી ભાવનગરના સાત યાત્રાળુઓના મોત થયા છે. જ્યારે 28 મુસાફરોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માતમાં પાલિતાણાના એક યુવકનું પણ મોત નીપજ્યું હતું. આવી સ્થિતિમાં તેમના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પાલિતાણાના યુવકના મોત બાદ રડતા રડતા તેના કાકાએ કહ્યું કે, ‘2 પુત્રો ચારધામની યાત્રાએ ગયા હતા, ગઈકાલે મને ફોન આવ્યો કે તમારા પુત્રો જે બસમાં મુસાફરી કરી રહ્યા હતા તે બસ ખાઈમાં પડી છે.’
ઉત્તરાખંડમાં એક ખાનગી બસને અકસ્માત થયો છે. જેમાં ભાવનગરના 7 લોકોના મોત નિપજ્યાં છે. આ મૃતકોમાં પાલિતાણાના કરણજી ભાટીનો પણ સમાવેશ થાય છે. આ કરણજી ભાટી પણ તીર્થયાત્રાએ ગયા હતા. ભાવનગરના પાલિતાણાના કરણજી ભાટીના ઘરે હાલ શોકનો માહોલ છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર 29 વર્ષીય કરણજી ભાટી ત્રણ બાળકોના પિતા હતા. તેમના મૃત્યુ બાદ બે પુત્રી અને એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે. કરણજીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે.
મૃતકના કાકાએ જણાવ્યું કે, પાલિતાણાના 4 યુવકો યાત્રાએ ગયા હતા. કરણ ભાટ્ટીનું બસ ખીણમાં ડૂબી જવાથી મોત થયું છે. અમારા પરિવારના સભ્યો હમણાં જ ઉત્તરાખંડ ગયા છે. પરિવારના અન્ય એક સભ્યએ જણાવ્યું કે 15 ઓગસ્ટના રોજ 4 યુવકો તીર્થયાત્રાએ ગયા હતા. આજે ત્યાંથી સરકારનો ફોન આવ્યો ત્યારે અમને અકસ્માતની જાણ થઈ.
15 ઓગસ્ટના રોજ ભાવનગરથી ખાનગી ટ્રાવેલ્સની બસમાં 35 લોકો ચારધામ જવા નીકળ્યા હતા. અકસ્માતનો ભોગ બનેલી બસમાં મોટાભાગના મુસાફરો ભાવનગર જિલ્લાના હતા, જેમાં ભાવનગરના 7 લોકોના મોત થયા છે. આ સિવાય સુરત અને ગુજરાતના અન્ય કેટલાક યાત્રાળુઓ પણ આ બસમાં સવાર હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્મતામાં મૃત્યુ પામેલાની યાદી
1.રાજેશ મેર રહે. અલંગ
2.ગણપત મહેતા રહે.મહુવા
3.જોશી અનિરુદ્ધ હસુમખભાઈ રહે. તળાજા
4. દક્ષા મહેતા રહે.મહુવા
5.મીનાબેન કમલેશકુમાર ઉપાધ્યાય રહે.દેવરાજનગર, ભાવનગર
6.કરણ ભાદરી. રહે.પાલિતાણા
7.ગીગાભાઈ ભમ્મર રહે.તળાજા
ઉત્તરાખંડના ગંગોત્રી હાઈવે પર થયેલા અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. જ્યારે 28 લોકો ઘાયલ થયા છે. ભાવનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા 28 લોકો ઘાયલ થયા છે અને હાલ સારવાર હેઠળ છે. ઈજાગ્રસ્તોમાં 5 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે જ્યારે અન્યને સામાન્ય ઈજાઓ હોવાનું કહેવાય છે. જાણવા મળી રહ્યું છે કે, તંત્ર દ્વારા મૃતકોના નામની ચકાસણી કરવામાં આવી રહી છે.