હાલ ગુજરાત સહિત દેશભરમાં હાર્ટ એટેકના અલગ-અલગ કેસ નોંધાઈ રહ્યા છે. આવી જ એક ઘટના કર્ણાટકના ચામરાજનગર જિલ્લામાંથી સામે આવી છે. અહીંની એક શાળામાં સવારની શિફ્ટમાં રાષ્ટ્રગીત ગાતી વખતે એક વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો હતો.
શાળા પ્રશાસન સાથે સંકળાયેલા લોકો તરત જ વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ ગયા. પરંતુ, ડોકટરો તેનો જીવ બચાવી શક્યા ન હતા. બીજી તરફ, માહિતી મળતાની સાથે જ પોલીસ શાળાએ પહોંચી હતી અને ઘટના અંગે પૂછપરછ કરી હતી. પોલીસ દ્વારા વિદ્યાર્થીની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવી છે.
આ વિદ્યાર્થીનું નામ પેલીશા જણાવવામાં આવી રહ્યું છે. તેની ઉંમર 16 વર્ષ જણાવવામાં આવી રહી છે. જે શાળામાં આ ઘટના બની તે ચામરાજનગર જિલ્લાના ગુંડલુપેટ ખાતે આવેલી છે. આ વિદ્યાર્થિની ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. સ્કૂલ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર બુધવારે સવારે દરરોજની જેમ શાળા ચાલુ હતી, તમામ બાળકો રાષ્ટ્રગીત ગાતા હતા. આ દરમિયાન વિદ્યાર્થીની તબિયત લથડી હતી.
પહેલા શાળાના શિક્ષકોએ વિચાર્યું કે તેને ચક્કર જેવી કોઈ સમસ્યા હશે. પરંતુ, બાદમાં પેલિશાની તબિયત બગડવા લાગી. બાદમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અહીં તબીબોએ બાળકીનો જીવ બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ ટૂંક સમયમાં જ તેનું મોત થઈ ગયું.
તબીબોના મતે વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો હોઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે, વિદ્યાર્થીના માતા-પિતા ન હતા. તે અનાથ હતી અને નિર્મલાની સ્કૂલ હોસ્ટેલમાં રહેતી હતી. ત્યારે આ ઘટના બાદ શાળામાં ખળભળાટ મચી ગયો છે. શાળાના શિક્ષકો અને બાળકો આઘાતમાં છે. શાળાના શિક્ષકોના જણાવ્યા મુજબ, પેલિશા એક તેજસ્વી વિદ્યાર્થી હતી. તે અભ્યાસમાં સારી હતી. પેલીશા હવે આ દુનિયામાં નથી એ વાત પર કોઈ માની ન શકે.