હજી તો ગણપતિનો તહેવાર આવવાનો બાકી છે. પરંતુ, તે પહેલા જ સુરતીઓએ નવરાત્રીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સુરતમાં એક ગ્રુપે ગઈકાલે રાત્રે નવરાત્રિ પૂર્વે સ્પર્ધાનું આયોજન કર્યું હતું. જેમાં 5 વર્ષથી 60 વર્ષ સુધીના 750 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ખેલાડીઓએ 12 થી 15 કિલો વજનના ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ભાગ લીધો હતો. ગરબાને લઈને ખેલાડીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. હજુ એક મહિનો બાકી છે પરંતુ સુરતીઓમાં અત્યારથી જ ગરબાનો ક્રેઝ વધવા લાગ્યો છે.
મોટા નવરાત્રીના આયોજકોએ હજુ તૈયારીઓ શરૂ કરી નથી તે પહેલા તો સુરતમાં નવરાત્રિ શરૂ પણ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ઉધના વિસ્તારના એક મોલમાં સુરતના ખેલૈયા ગરબા ગૃપ દ્વારા પ્રિ-નવરાત્રિ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવરાત્રી દરમિયાન જે રીતે ખેલાડીઓ સ્પર્ધામાં ભાગ લે છે તે જ રીતે નવરાત્રિ પહેલા એક દિવસીય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરતના ખેલૈયા ગરબા ગ્રુપ દ્વારા આયોજિત એક દિવસીય પ્રિ-નવરાત્રી ફેસ્ટિવલમાં સુરતીઓમાં ગરબાનો ક્રેઝ જોવા મળ્યો હતો. ત્રણ કલાકથી વધુ સમય સુધી ખેલાડીઓએ ઓરકેસ્ટ્રા સાથે ગરબા રમઝટ જમાવી હતી. જેમાં ગરબા વાગતાની સાથે જ સુરતી ખેલૈયાઓના પગ ત્રણ કલાક સુધી ઊભા રહેવાનું નામ લેતા ન હતા.
નવરાત્રી પર્વ દરમિયાન જ ખેલાડીઓએ 12 થી 15 કિલો વજનના ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યા હતા. આ ગરબા ઉત્સવમાં 5 વર્ષથી લઈને 60 વર્ષ સુધીના ખેલાડીઓએ ભાગ લીધો હતો અને તેમનો ઉત્સાહ જોઈને એવું લાગી રહ્યું હતું કે તેમને ગરબાનો ફિવર ચડી ગયો છે.
પ્રિ-નવરાત્રી સ્પર્ધાનું આયોજન કરનાર પિયુષ રાણાએ જણાવ્યું કે, આજે અમારા ગરબા ક્લાસમાં બિફોર નવરાત્રિ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. 750થી વધુ ખેલૈયાઓ ગરબા રમવા આવ્યા છે. ખેલાડીઓએ ટ્રેડિશનલ, સેમી ટ્રેડિશનલ વસ્ત્રો પહેરીને ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. હાલમાં ચાલી રહેલા નવરાત્રીના ક્રેઝને ધ્યાનમાં રાખીને નવરાત્રીના એક મહિના પહેલા આવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પિયુષ રાણાએ વધુમાં જણાવ્યું કે, જજોને પણ બોલાવવામાં આવ્યા હતા. જેમ નવરાત્રિ દરમિયાન મોટા કાર્યક્રમોમાં એવોર્ડ આપવામાં આવે છે, તેવી જ રીતે અહીં પણ વિવિધ કેટેગરી અનુસાર એવોર્ડ આપવામાં આવ્યા હતા. જેમાં બેસ્ટ ખેલૈયા, બેસ્ટ ડ્રેસ, બેસ્ટ લૂક, બેસ્ટ સ્ટેપ, બેસ્ટ કપલ, સેમી ટ્રેડિશનલ, ટ્રેડિશનલ સહિત વિવિધ 60 ગ્રૂપ માટે એવોર્ડ નક્કી કરવામાં આવ્યા હતા.