અમદાવાદના વટવા વિસ્તારમાં ટપોરીઓએ આખી સોસાયટીને બાનમાં લીધી હતી જેથી રહીશોમાં ભારે ફફડાટ મચી ગયો હતો. સોસાયટીની અંદર બેઠેલા નશેડી ગુનેગારો તલવારો લઈને આમતેમ દોડતા હતા. જ્યારે તેની સામે હાજર લોકો સોસાયટીની બહાર પથ્થરમારો કરી રહ્યા હતા. આ વિસ્તારમાં ગુનેગારો એટલા સક્રિય છે જેના ચોંકાવનારા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ઘટના એક ભીડભાડવાળી સોસાયટીમાં બની અને પોલીસ દ્વારા હવે આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, વટવા વિસ્તારમાં આવેલા પ્રેરણા સોસાયટીમાં બનેલા એક બનાવના CCTV સામે આવ્યા છે. જેમાં હથિયારો લઈને કેટલાક શખ્સો ગુંડાગીરી કરતા જોવા મળે છે. સોસાયટીમાં રહીશો એટલા ડરી ગયા છે કે, કોઈ તેમનું નામ લેવા તૈયાર નથી અને બીજી તરફ એવી પણ વાતો થઈ રહી છે કે, પોલીસ આ અંગે કશું કરી રહી નથી કારણ કે ગુનેગારોનું ક્યાંક સ્થાનિક પોલીસ સાથે કૂણું વલણ છે જેના કારણે તેઓ બેફામ બન્યા છે. પોલીસ આ દિશામાં કાર્યવાહી કરવાની બદલે મામલો દબાય તેવા પ્રયત્નો કરી રહી છે.
વટવા વિસ્તારમાં મારામારી બાબતે વટવા સૈયદ વાડીમાં રહેતાં અહેમદ રઝા દ્વારા વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે કે, 10:30 વાગ્યાની આસપાસ વટવા સૈયદવાડી રોડ ઉપર ઊભો હતો તે દરમિયાન ત્યાં જાવેદહુસેન ઉર્ફે બોબીએ આવીને મને કહ્યું કે, તે ફરાજનગરમાં બેસે છે અને મારી ખોટી વાતો કરે છે. તેમ કહી મારી સાથે ઝઘડો કર્યો હતો. જેથી મારા મામાનો દીકરો શાહનવાઝ મેવાતી આવી ગયો હતો.
જાવેદ હસનના મિત્રો શાહબાઝ, લકુમ, પરવેઝ ઉર્ફે કોન્ડોમ અને રાનુંનાઓ આવી અમને ગંદી ગાળો આપવા માંડ્યા હતા. શાહનવાઝે તેમને ગાળો બોલવાની ના પાડતા તલવાર કાઢીને મારામારી કરી હતી. આ ઉપરાંત, તેમણે પથ્થરમારો પણ શરૂ કર્યો હતો. મારામારી અને પથ્થરમારો કરી તમામ લોકો ત્યાંથી નાસી ગયા હતા.
ઉપરાંત, સામે જાવેદહુસેન ઉર્ફે બોબી દ્વારા પણ અહેમદ રઝા અને અન્ય લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે, પોતે સાથે મંડપ ડેકોરેશનનું કામકાજ કરે છે અને આજથી દોઢ મહિના પહેલાં વટવા ઈમદાદનગરમાં રહેતો ઇકબાલ ઉર્ફે રાજા મેવાતી મને કહેતો હતો કે તારો ધંધો સારો ચાલે છે તું મને ચાના પૈસા આપ. પરંતુ મેં તેને પૈસા આપ્યા નહોતા. તે અંગે પણ તેણે ઝઘડો કર્યો હતો. તે સમયે કોઇ પોલીસ ફરિયાદ કરી નહોતી.
બાદમાં જ્યારે રાતે સાડા દસ વાગે વટવા બીબી તળાવ તરફથી જાવેદ હુસેન એક્ટિવા લઈને મારા ઘરે જતો હતો ત્યારે ઇકબાલ ઉર્ફે રાજા મેવાની, શાહનવાઝ મેવાતી સાથે અન્ય લોકો પણ આવી ગયા હતા ઉપરાંત તેની સાથે મારામારી કરી હતી. જેથી તેમની સાથે આ તમામ લોકોએ મારામારી કરી અને છરાબાજી પણ કરી હતી. જેના પગલે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બંને પક્ષ દ્વારા એકબીજા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.