આવી રીતે ભણશે ગુજરાત? એક છકડામાં એક સાથે બેઠા 27 વિદ્યાર્થીઓ જીવના જોખમે બેસીને જાય છે ભણવા

ગુજરાત

છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય જિલ્લો છે. અન્ય જિલ્લાઓની સરખામણીએ અહીં શિક્ષણનું સ્તર ઘણું નીચું છે. ત્યારે જિલ્લાની કથળતી શિક્ષણ વ્યવસ્થા પણ IAS અધિકારી ધવલ પટેલના પત્ર દ્વારા લોકો સામે આવી છે. પાવીજેતપુર તાલુકામાં અંતરિયાળ વિસ્તારના ગામડાઓના વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે એસટી બસની વ્યવસ્થાના અભાવે છકડામાં લટકીને અને છાપરા ઉપર બેસવાની ફરજ પડી રહી છે.

પોતાનો જીવ જોખમમાં મૂકીને 27 જેટલા વિદ્યાર્થીઓ છ પૈડાવાળી રિક્ષામાં મૃત્યુની સફરમાં બેઠા છે, જેમાં 9 વ્હીલની છત પર બેઠા છે, 4 પાછળ લટકેલા છે, સીટ અને વચ્ચે 5-5 તો પાછળની સીટમાં 4 વિદ્યાર્થી બેઠા હોય છે. આ વિડિયો જોયા પછી સવાલ એ થાય છે કે શું ગુજરાત આ રીતે ભણશે?

આવું જ એક હ્રદયદ્રાવક નજારો પાવીજેતપુરના અંતરિયાળ વિસ્તારમાંથી સામે આવ્યો છે. પાવીજેતપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારના વાવડી, તંબોલીયા, ચુડેલ જેવા ગામોના વિદ્યાર્થીઓ ભેસાવહી હાઈસ્કૂલમાં અભ્યાસ માટે આવે છે. આ વિદ્યાર્થીઓને ભેસાવહી જવા માટે સવાર-સાંજ 3 થી 6 કિલોમીટરનું અંતર કાપવું પડે છે.

આ વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે ST બસની સુવિધા નથી, જેના કારણે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પગપાળા જવાની કે ખાનગી બસમાં બેસવાની ફરજ પડી રહી છે. ત્યારબાદ 27 જેટલા વિદ્યાર્થીઓ છકડામાં એકસાથે બેસે છે અને બેસવાની જગ્યા ન મળવાને કારણે કેટલાક વિદ્યાર્થીઓ છકડાની ત્રણ બાજુ લટકીને જીવ જોખમમાં મુકીને શાળાએ જાય છે.

એક તરફ સરકાર દ્વારા વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળી રહ્યું છે કે નહીં તે જોવા માટે પ્રવેશોત્સવ, ગુણોત્સવ જેવા કાર્યક્રમો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, તો બીજી તરફ વિદ્યાર્થીઓને શિક્ષણ મળે તે માટે વાહનોની પણ વ્યવસ્થા કરી શકાતી નથી, જેના માટે વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો છે. શિક્ષણની ભૂખ સંતોષવા તેઓ દરરોજ પોતાનો જીવ જોખમમાં મુકે છે. વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે બે કલાક કાઢીને શિક્ષણ મેળવવું ખૂબ જ જરૂરી બન્યું છે, આવા વિદ્યાર્થીઓ માટે સરકારી વહીવટીતંત્રે વાહનોની વ્યવસ્થા કરવી જોઈએ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *