ચાર દિવસ પહેલા કાર્તિક ટુર એન્ડ ટ્રાવેલ્સની બસ 57 યાત્રાળુઓને લઈને ભાવનગરના તળાજાના દિહોર ગામથી મથુરા જવા રવાના થઈ હતી. બાર દિવસની મુસાફરીના ચોથા દિવસે સવારે બસને અકસ્માત નડ્યો હતો. રાજસ્થાન નેશનલ હાઈવે પર એક અકસ્માતમાં 12 લોકોના મોત નિપજ્યાં હતા. જેમાંથી 10 લોકો એક જ ગામના છે. આજે એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહો વતન લાવવામાં આવ્યા છે. દિહોરમાં 10 સ્મશાનયાત્રા એકસાથે કાઢવામાં આવતા સમગ્ર ગામમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. અંતિમસંસ્કારમાં 10 હજારથી વધુ લોકો ભેગા થયા હતા.
અકસ્માતમાં મૃત્યુ પામેલા યાત્રીઓના મૃતદેહને આજે વતનમાં લાવવામાં આવ્યા છે. ભાવનગર શહેરની એક મહિલા અને દિહોરના અન્ય મૃતક યાત્રીઓની વતનમાં અંતિમવિધિ કરવામાં આવી રહી છે. હાલ સમગ્ર દિહોર ગામમાં શોકનો માહોલ છવાયો છે.
વતન દિહોર સ્થિત સરકારી શાળામાં એમ્બ્યુલન્સ દ્વારા 12 મૃતદેહો લઈ જવામાં આવ્યા છે. તમામ મૃતક યાત્રાળુઓને શ્રદ્ધાંજલિ આપવા માટે હિન્દુ-મુસ્લિમ સમુદાયના 10 હજારથી વધુ લોકો એકઠા થયા છે. પરિવારના સભ્યો અને મહિલાઓ પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાંજલિ આપવા આવી હતી. શ્રદ્ધાંજલિ આપ્યા બાદ તમામ મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. આ દુર્ઘટનામાં ઘણા પરિવારોએ તેમના માતા-પિતાને ગુમાવ્યા છે.
તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણે આ અંગે જણાવ્યું કે, જ્યારથી આ ઘટનાના સમાચાર મળ્યા છે ત્યારથી અમે સતત સંપર્કમાં હતા. વહેલી તકે ઈજાગ્રસ્તોને સારવાર મળે, તેમજ મૃતદેહો વહેલી તકે વતનમાં પહોંચે તે માટે મુખ્યમંત્રી સાથે રૂબરૂ મુલાકાત કરી રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે મુખ્યમંત્રી દ્વારા ત્યાંથી જ સૂચનાઓ આપવામાં આવી હતી. ઝડપી સહાય મળે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. આ ઘટના ખૂબ જ દુઃખદ છે, ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે, તેમનાં પરિવારજનોને સહન કરવાની શક્તિ આપે અને મૃતકોની આત્માને શાંતિ પ્રાપ્ત થાય.