પાદરા તાલુકાના ધોબીકુવા ગામ નજીક રહેતા અને ખેત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા પરિવારની માતા-પુત્રીનું વીજ કરંટ લગતા મોત થયું હતું. હોસ્પિટલમાં સારવાર દરમિયાન પાંચ જ મિનિટમાં માતા-પુત્રીના મોત થયા હતા. માતા-પુત્રીના અંતિમ સંસ્કાર થતાં જ પરિવારજનો અને સમાજના લોકોમાં શોકની લાગણી છવાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ધોબીકુવા ગામની સીમમાં છત્રસિંગ ભરતસિંહ પઢિયાર, પત્ની ઉષાબેન છત્રસિંગ પઢિયાર અને બે દીકરીઓ નયનાબહેન પઢિયાર સહિત ચાર વ્યક્તિ રહે છે. છત્રસિંહ પઢિયાર ખાનગી કંપનીમાં નોકરી કરે છે. જ્યારે પરિવારના અન્ય સભ્યો ખેતમજૂરી અને પશુપાલન કરી પરિવારને મદદ કરે છે.
સોમવારે સવારે છત્રસિંગ પઢિયાર કામ પર ગયા હતા. નાની દીકરી બાજુના ઘરમાં ગઈ. જ્યારે ઉષા બહેન અને તેમની પુત્રી નયનાબેન ઘરની બહાર કપડા ધોવા બેઠા હતા. માતા ઉષા બહેન કપડા ધોતા હતા અને પુત્રી નયના ધોયેલા કપડા વાયર પર સૂકવી રહી હતી.
હાલ ચોમાસાની ઋતુ હોવાથી અને ભેજવાળુ વાતાવરણ હોવાથી વાયરમાં કરંટ આવ્યો હતો. ધોયેલા કપડાં વાયર પર સુકવવા જતાં જ તાર સાથે કપડાં ધોઇ રહેલી માતા ઉષાબહેન પડી હતી. જેથી ઉષા બહેનને પણ પેટના ભાગે વીજળીનો કરંટ લાગ્યો હતો. માતા-પુત્રીને વીજ કરંટ લાગતાની સાથે જ તેઓ ચીસો પાડવા લાગ્યા હતા અને સ્થાનિક લોકો દોડવા લાગ્યા હતા. ગંભીર રીતે દાઝી ગયેલી માતા-પુત્રીને પ્રથમ મહુવડ ચોકડી પાસેની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ બપોરે 2.20 કલાકે ઉષા બહેનનું મોત થયું હતું અને બપોરે 2.25 કલાકે પુત્રી નયનાનું મૃત્યુ થયું હતું.
માતા-દીકરીનું પાંચ મિનિટના અંતરમાં જ મોત નિપજતા પરિવારજનો અને સ્થાનિક લોકોમાં શોકનો માહોલ છવાયો હતો. આ દરમિયાન, આ બનાવ અંગેની જાણ વડુ પોલીસને કરવામાં આવતા અનાર્મ હેડ કોન્સ્ટેબલ મહેશભાઇ કાનજીભાઇ સ્ટાફ સાથે પહોંચી ગયા હતા અને પ્રાથમિક વિગતો મેળવી મૃતદેહોનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
માતા અને દીકરીના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ થયા બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યા હતા. પરિવારજનો દ્વારા એક સાથે જ માતા-દીકરીની અંતિમયાત્રા કાઢી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઘર આંગણેથી માતા-દીકરીની સાથે અંતિમયાત્રા નીકળતા માતમ છવાયો હતો.