હાલમાં બિહારના મુઝફ્ફરપુરમાંથી બાગમતી નદીમાં બોટ દુર્ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. લોકો બાળકોને બચાવવા બૂમો પાડી રહ્યા છે. કેટલાક લોકો તો નદીમાં પણ કૂદી પડે છે. એક બોટ પણ બચાવ માટે આવે છે. આ દરમિયાન, કેટલાક બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા. પરંતુ, ઘટનાની થોડી જ સેકન્ડોમાં નદીમાં 12 લોકોના મોત નિપજ્યાં હતા.
મધુરપટ્ટી ગામમાં ગુરુવારે 32 લોકોને લઈને જતી બોટ અચાનક પલટી ખાઈ ગઈ હતી. ગ્રામજનો દ્વારા 20 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. પરંતુ, 12 લોકો નદીમાં ડૂબી ગયા હતા અને જોરદાર પ્રવાહમાં વહી ગયા હતા. જેમાં મોટાભાગના બાળકો હતા જેઓ શાળાએ જતા હતા. NDRFની ટીમ દ્વારા તેને શોધવા માટે 7 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ, સફળતા મળી ન હતી.
ઘટનાના 24 કલાક બાદ અત્યાર સુધીમાં અહીંથી ત્રણ મૃતદેહો મળી આવ્યા છે. 9ની શોધખોળ હજુ ચાલુ છે. પ્રથમ મૃતદેહ 4 વર્ષની બાળકીનો મળી આવ્યો હતો. યુવતીની ઓળખ અજમત તરીકે થઈ છે. તેનો મૃતદેહ બગર લક્ષ્મી નજીક રોડ કિનારે મળી આવ્યો હતો. પોલીસ દ્વારા મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.
બલૌર વિસ્તારમાંથી અન્ય એક મૃતદેહ મળી આવ્યો હતો. હજુ તેની ઓળખ થઈ શકી નથી. જ્યારે ત્રીજો મૃતદેહ ગોરીહરી ઘાટમાંથી મળી આવ્યો છે. જાણવા મળ્યું છે કે, ત્રીજો મૃતદેહ પિન્ટુનો છે. જે બાળકોને બચાવતા ડૂબી ગયો હતો. પિન્ટુએ જ બંને બાળકોને ડૂબતા બચાવ્યા હતા. જોકે, આખરે તે બચવાનો પ્રયત્ન કરતાં ડૂબી ગયો હતો.
ગુરુવારે રેસ્ક્યુ ઓપરેશન વિશે માહિતી આપતા જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રણવ કુમારે જણાવ્યું હતું કે, અંધારું હોવાને કારણે હાલ ઓપરેશન રોકી દેવામાં આવ્યું છે જે શુક્રવારે સવારે 7 વાગ્યાથી ફરી શરૂ કરવામાં આવશે. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા વિજય સિંહા પણ આજે રોડ માર્ગે ઘટનાસ્થળે પહોંચશે. તે ત્યાં જશે અને પીડિત પરિવારોને મળશે.