છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં સતત કાર્ડીયાક એરેસ્ટના તથા હાર્ટ એટેકનાના કિસ્સામાં ઘણો વધારો થઇ રહ્યો છે. તે ખુબ જ આઘાતજનક છે. મહત્વનું છે કે, કોઈ પણ પ્રકારની બિમારી ન હોવા છતાં લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. ચિંતા એ વાતની છે કે, ક્રિકેટ રમતી વખતે, લગ્નમાં નાચતી વખતે કે જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ ઘટનસ્થળે જ લોકોના મોત નીપજે છે.
આ દરમિયાન, હાર્ટ એટેકના કારણે મોતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, ગુજરાત રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં હાર્ટ એટેકને કારણે બે યુવાનોના મોત નિપજ્યાં છે. ત્યારે હાલમાં જામનગરમાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
જૂનાગઢ બાદ હવે જામનગરમાં ગઈકાલે ગરબાની પ્રેક્ટિસ દરમિયાન 19 વર્ષીય વિનિત કુંવરીયાનું હાર્ટઅટેકથી મોત નીપજ્યું હતું. ત્યારબાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પટેલ પાર્ક વિસ્તારમાં આવેલા ગરબા ક્લાસમાં આ ઘટના બની હતી. યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, જામનગરના પટેલ પાર્ક વિસ્તારમાં આવેલાં ”સ્ટેપ & સ્ટાઈલ ગરબા ક્લાસ”માં 19 વર્ષીય વિનીત મેહુલભાઈ કુંવરિયા ગરબાની પ્રેક્ટિસ કરવા ગયો હતો. આ દરમિયાન, તેને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો અને તે ત્યાં જ ઢળી પડ્યો હતો. જેને ત્યાં હાજર લોકો દ્વારા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર ડૉક્ટરો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. બાદમાં મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જી. જી. હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
જાણવા મળ્યું છે કે, જૂનાગઢના પંચેશ્વર વિસ્તારમાં રહેતા ચિરાગ પરમાર નામના 24 વર્ષીય યુવાનને દાંડિયા રમવાનો ખૂબ જ શોખ હતો. જે છેલ્લા 10 વર્ષથી દર વર્ષે નવરાત્રિ પહેલા દાંડિયા ક્લાસમાં જતો હતો અને નવરાત્રિમાં આ યુવાન દાંડિયા રમતો હતો. તેણે દાંડિયાના ઘણા પુરસ્કાર પણ મેળવ્યા હતા. ચિરાગ પરમાર ગઇકાલે જૂનાગઢના જોષીપરા ખાતે આવેલા એક દાંડિયા ક્લાસીસમાં સાંજના 8:00 વાગ્યાના સમયે ગયો હતો અને ત્યાં દાંડિયા રમી રહ્યો હતો.
દાંડિયારાસ રમતા-રમતા ચિરાગને ચક્કર આવતાં તે અચાનક બેભાન થઈને નીચે પડી ગયો હતો. ત્યાં હાજર લોકો દ્વારા ચિરાગને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને બાદમાં વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના ડોક્ટરો દ્વારા ચિરાગને મૃત જાહેર કરવામાં આવ્યો હતો અને પી.એમ રિપોર્ટમાં ચિરાગ પરમારનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હોવાનું બહાર આવ્યું હતું.