વિઘ્નહર્તા ગણપતિ બાપ્પાની સ્થાપના ધામધૂમથી કરવામાં આવે છે. પરંતુ, દર વર્ષે તેમનું વિસર્જન એવી રીતે કરવામાં આવે છે કે ભક્તોની લાગણી દુભાય છે. હાલ આવી સ્થિતિ સુરતમાં જોવા મળી છે. સુરતના પાલનપુર પાટિયા કેનાલમાં ગણપતિ બાપ્પાની મૂર્તિઓ રઝળતી હાલતમાં જોવા મળી રહી છે. પ્રતિમાઓની હાલત જોઈને લોકો ટીકા પણ કરી રહ્યા છે.
સુરત પોલીસ કમિશનર દ્વારા ગણેશોત્સવને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં તેમને તળાવ, કેનાલ કે નદીમાં છોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે, કેટલાક લોકો આ રીતે કેનાલમાં ગણપતિ બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરીને જાહેરનામાનો ભંગ કરી રહ્યા છે.
પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામું માત્ર કાગળ પૂરતું જ સીમિત હોવાની ચર્ચા ચાલી રહી છે. શહેરમાં પીઓપીની મહાકાય પ્રતિમાઓનું સ્થાપન થવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પાંચ ફૂટ પીઓપી અને નવ ફૂટ માટીથી મોટી મૂર્તિઓ સ્થાપિત કરવા પર પ્રતિબંધ હોવા છતાં ગણેશ મંડળો દ્વારા વિશાળ મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા આ બાબતને ગંભીરતા લેવામાં આવી નથી.
સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિના અધ્યક્ષ અનિલ બિસ્કીટવાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગણેશ ઉત્સવને લઈને પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટર સાથે સંકલન બેઠક યોજવી જરૂરી છે. પરંતુ, વહીવટીતંત્ર દ્વારા કોઈ ગંભીરતા દાખવવામાં આવી ન હતી અને કોઈ સંકલન બેઠક યોજાઈ ન હતી. જેના કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ રહી છે.
વધુમાં જણાવ્યું હતું કે, દર વર્ષે કેનાલમાં મૂર્તિઓ છોડવામાં આવતી હોવા અંગે અમે અગાઉ પણ અરજી આપી હતી. આ મુદ્દાનો પણ ગંભીર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ગણેશ ઉત્સવ દરમિયાન શહેરની વિવિધ કેનાલો પર પોલીસ બંદોબસ્ત ગોઠવવાની પણ માંગ કરવામાં આવી હતી. પરંતુ, સંકલનના અભાવે કેનાલો પર સુરક્ષાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે જાહેરનામાનો ભંગ થઈ રહ્યો છે.