ગુજરાતમાં સાતમ-આઠમે અનેક લોકો જુગાર રમતા ઝડપાયા છે. બીજી તરફ અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં હાઇપ્રોફાઇલ જુગારધામનો પર્દાફાશ થયો છે. અહીં નિવૃત્ત એડિશનલ ડીજીપીનો પુત્ર જુગાર રમતા ઝડપાયો છે. પ્રાથમિક માહિતી અનુસાર પોલીસ દ્વારા 3.39 લાખ રૂપિયાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તેમજ પકડાયેલા તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જાણવા મળ્યું છે કે, અમદાવાદમાં પૂર્વ એડિશનલ ડીજીપીનો પુત્ર જુગાર રમતા ઝડપાયો છે. અમદાવાદની હોટલ માન રેસિડેન્સીમાં સેટેલાઇટ પોલીસે દરોડો પાડ્યો હોવાનું જાણવા મળે છે. આ દરમિયાન, અહીં કુલ 9 લોકો જુગાર રમતા ઝડપાયા હતા. મળતી માહિતી મુજબ, પૂર્વ એડિશનલ ડીસીપી હેમરાજ ગેહલોતનો પુત્ર પિયુષ હેમરાજ ગેહલોત પણ અહીં જુગાર રમતા ઝડપાયો હતો.
આ દરમિયાન, સેટેલાઇટ પોલીસ દ્વારા પૂર્વ એડિશનલ ડીજીપી હેમરાજ ગેહલોતના પુત્ર પિયુષ હેમરાજ ગેહલોત સહિત 9 જુગારીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ તેમની પાસેથી રૂ.77 હજાર રોકડા અને 11 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે સેટેલાઇટ પોલીસ દ્વારા ટુ-વ્હીલર અને ફોર વ્હીલર વાહનો મળી કુલ રૂ.13.39 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ત્યારે સુરતમાં પણ જુગારધામો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. સુરતની ખટોદરા પોલીસ દ્વારા 6 જુગારીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સાંઈનાથ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. જેમાં 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 4.17 લાખ સહિત 1.22 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.