ગુજરાતના શહેરોમાં દિવસેને દિવસે લૂંટ ચલાવવામાં આવી રહી છે. જાણે બદમાશોને ખાકી વર્દીનો ડર ન હોય તેમ રોજેરોજ લોકોને લૂંટવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતમાંથી પણ આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે જેમાં અસામાજિક તત્ત્વો સવારના સમયે રસ્તા પર લૂંટ ચલાવી રહ્યા છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ કેમેરામાં કેદ થવા પામ્યો છે.
સુરતમાં આજે સવારે લૂંટની ઘટના સામે આવી રહી છે. જેમાં સુરતના સરથાણા વાલક પાટિયા નજીક પાર્ક કરેલી આંગડિયા પેઢીની કારને લૂંટારુઓએ નિશાન બનાવી હતી. બીજી કારમાં આવેલા ચારથી પાંચ લૂંટારુઓએ હથિયાર બતાવી આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી એક કરોડથી વધુની લૂંટ કરી ભાગી ગયા હતા. આ બનાવની જાણ થતાં જ સરથાણા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારુને ઝડપી લેવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, સુરતની ગુજરાત આંગડીયા પેઢીના કર્મચારીઓ સરથાણા વાલક પાટીયા પાસે કારમાં પૈસા અને મહત્વની વસ્તુઓ પાર્ક કરીને ભરતા હતા. આ દરમિયાન બીજી ઈકો કારમાં ચાર-પાંચ લૂંટારુઓ આવ્યા હતા અને લૂંટ ચલાવીને ત્યાંથી ભાગી ગયા હતા.
સમગ્ર મામલાની માહિતી મળતા ઉચ્ચ પોલીસ અધિકારી સહિત પોલીસ કાફલો તાત્કાલિક પણે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઘટના બાદ પોલીસ દ્વારા પણ અલગ-અલગ ટીમો તૈનાત કરવામાં આવી હતી. આસપાસના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા. જેમાં સીસીટીવીમાં એક કાર અને કેટલાક લોકો ભાગતા જોવા મળ્યા હતા. પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે સીસીટીવી અને પોલીસની વિવિધ ટીમો તૈનાત કરવામાં આવી છે.
પીડિત આંગડિયા પેઢીના કર્મચારીએ જણાવ્યું કે, અમારું ઈકો વાહન વહેલી સવારે રોડ પર ઊભું હતું અને સામાન ભરી રહ્યું હતું. તે દરમિયાન સામેથી બીજી ઇકો કાર આવી હતી. જેમાંથી ચારથી પાંચ લૂંટારુઓ બંદૂક અને છરી જેવા હથિયારો સાથે બહાર આવ્યા હતા. ત્યારબાદ તેઓ અમારી પાસે આવ્યા હતા અને કારની તોડફોડ કરી હતી અને કારમાં રાખેલો તમામ સામાન અને પૈસા લઈને ફરાર થઈ ગયા હતા.