હાલમાં જ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. અભિનેતા સતીન્દર કુમાર ખોસલા ઉર્ફે બીરબલનું નિધન થયું છે. અભિનેતાએ 84 વર્ષની વયે 12 સપ્ટેમ્બરે મુંબઈમાં સાંજે લગભગ 7.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. અભિનેતાના નિધનના સમાચાર તેના મિત્ર અને પ્રખ્યાત કોમેડિયન અહેસાન કુરેશીએ શેર કર્યા છે અને તેનું કારણ પણ જણાવ્યું છે.
અહેસાન કુરૈશીના જણાવ્યા મુજબ, બિરબલના માથા પર છત પડી હતી, જેના કારણે તે ઘાયલ થયા હતા. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં ડોક્ટર દ્વારા તેને ઓપરેશનની સલાહ આપવામાં આવી હતી. અભિનેતાએ બે મહિના પહેલા આ ઈજા માટે સર્જરી પણ કરાવી હતી.
આ ઉપરાંત અહેસાન કુરેશીએ વધુમાં જણાવ્યું કે, ઓપરેશન બાદ બિરબલ દરરોજ ઘરે ફિઝિયોથેરાપી પણ કરાવતા હતા. તેમની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે, તેઓ એકલા ચાલી પણ શકતા નહોતા. તેઓ લાંબા સમયથી પથારીમાં હતા, તેથી તેમનું બ્લડસુગર વધી ગયું હતું. જ્યારે તેમનું સુગર ખૂબ વધી ગયું ત્યારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જ્યાં તેઓ અંતિમ ક્ષણો સુધી ICUમાં રહ્યા. તેમને તેમના ઘરની નજીકની અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે 12 સપ્ટેમ્બરને મંગળવારે અંતિમ શ્વાસ લીધા હતા.
તેમણે છેલ્લે વર્ષ 2022માં ફિલ્મ ’10 નહીં 40’માં કામ કર્યું હતું. તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ ઊભી કરી હતી. ચાર દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં તેમણે એક કરતાં વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. 500 ફિલ્મોમાં તેમણે નાની પણ યાદગાર ભૂમિકાઓ ભજવી હતી.
જણાવી દઈએ કે, સતિંદર કુમાર ખોસલાનો જન્મ 28 ઓક્ટોબર 1938ના રોજ થયો હતો અને વર્ષ 1966માં ફિલ્મ ‘દો બંધન’થી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમણે ડેબ્યૂ કર્યું હતું. સતિંદર કુમાર ખોસલાને વી.શાંતારામની ફિલ્મ ‘બૂંદ જો બન ગઈ મોતી’થી પ્રસિદ્ધતા મળી હતી. આ ઉપરાંત, બિરબલ ખોસલાએ હિંદી, પંજાબી, ભોજપુરી અને મરાઠી ભાષામાં 500થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે.