હાલમાં સુરતમાંથી એક દર્દનાક ઘટના સામે આવી છે. સચિન વિસ્તારમાં વહેલી સવારે રૂમમાં સૂતેલા પરિવાર પર છત પડી હતી. વહેલી સવારે બનેલી આ ઘટનામાં યુવતી ગંભીર રીતે ઘાયલ થતાં પરિવારજનો તાત્કાલિક સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. જોકે, સારવાર મળે તે પહેલા જ બાળકીનું મોત થયું હતું. મૃતક બાળકી એક વર્ષની હતી અને પરિવારની એકની એક પુત્રી હતી.
મૂળ ઉત્તર પ્રદેશનો સચિન જીઆઈડીસી વિસ્તારની રામેશ્વર કોલોનીમાં રાહુલ યાદવ પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની, એક પુત્ર અને એક વર્ષની પુત્રી શિવાનીનો સમાવેશ થાય છે. રાહુલ મિલમાં મજૂર તરીકે કામ કરીને તેના પરિવારનું ભરણપોષણ કરે છે. આખો પરિવાર એક રૂમમાં રહે છે. પુત્રી બે માસ પહેલા માતા સાથે વતનથી સુરત આવી હતી.
આ ઘટના આજે સવારે બની હતી. ત્રણ માળના મકાનમાં બીજા માળે આખો પરિવાર એક રૂમમાં સૂતો હતો. એકાએક ધડાકા સાથે નિદ્રાધીન પરિવાર પર છત પડી હતી. એક વર્ષની માસુમ પુત્રી શિવાનીના માથા પર છત પડતા ગંભીર ઇજા પહોંચી હતી. પરિવારજનોએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા.
સિલિંગ તૂટવાથી ધડાકા જેવો અવાજ આવ્યો હતો. જેથી આસપાસના ઘરના લોકો નીચે દોડી ગયા હતા. ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં શિવાનીને સારવાર માટે સિવિલ લઈ જવામાં આવી હતી. પરંતુ, તેને સારવાર મળે તે પહેલાં જ મોતને ભેટી હતી. પરિવારની એકની એક દીકરીના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.
છત તૂટી પડવાથી દીકરીનું મોત નીપજ્યું જ્યારે સૂતેલા પુત્ર, માતા અને પિતાને પણ પોપડા માથે પડતા ઈજાઓ થઈ હતી. આ ઉપરાંત, પુત્રને કમરના ભાગે ઇજા થઈ હતી. હાલ તો પોલીસ દ્વારા પરિવારના નિવેદન લઈને પોસ્ટમોર્ટમ તજવીજ હાથ ધરવામાં આવી છે.