આજકાલ અકસ્માતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. બેફામ વાહન ચાલકોને કારણે કેટલાય માસૂમ લોકોનો જીવ જતો હશે. ત્યારે હાલમાં ફરીવાર એક ગોજારો અકસ્માત સામે આવ્યો છે. જેમાં રાજ્યના સંખેડાના લોટીયા નજીક ગઈ કાલે રાત્રે એક સ્વિફ્ટ ડીઝાયર કાર ઝાડ સાથે અથડાતાં કારચાલક શિક્ષકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, રાજ્યના છોટા ઉદેપુર જિલ્લાના કાવિઠા ગામના વતની અને C.R.C. ફરજ પરના રજનીશભાઈ શામલભાઈ બારીયા રાત્રે 11 કલાકે કવિતાને પોતાની સ્વીફ્ટ ડીઝાયર કારમાં વડોદરા જવા નિકળ્યા હતા ત્યારે લોટીયા પાસે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ગુલમહોરના ઝાડ સાથે અથડાતા પલટી મારી ગઈ હતી. જેમાં કાર ચાલક રજનીશભાઈ બારીયા કારમાં ફસાઈ જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
કાર ઝાડમાં ફસાઈ ગઈ અને તેને બહાર કાઢવા માટે ક્રેન બોલાવવી પડી હતી. આસપાસના લોકો દ્વારા કરમાં ફસાયેલા રજનીશભાઈને બહાર કાઢવામાં આવ્યા હતા. સંખેડા પોલીસ દ્વારા આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.