અમદાવાદમાં એક વિચિત્ર અકસ્માત સર્જાયો છે. ચાલતી રીક્ષાનું આગળનું ટાયર અચાનક નીકળી ગયું. બાદમાં રિક્ષા હવામાં ઊછળીને ફંગોળાઈ અને ગલોટિયું મારી પટકાઈ હતી. જોકે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જ્યારે રિક્ષાચાલકને સામાન્ય ઈજા થઈ હતી. નજીકમાં અન્ય કોઈ ડ્રાઈવર ન હોવાથી મોટો અકસ્માત પણ ટળી ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.
સીસીટીવીમાં જોવા મળે છે કે, રોડ પર રિક્ષા પૂરપાટ ઝડપે ચાલી રહી છે. ત્યારે રિક્ષાનું આગળનું ટાયર અચાનક નીકળી જતાં પહેલા રિક્ષા આગળથી ઊંચી થાય છે. પરંતુ, બીજી જ ક્ષણે રિક્ષા હવામાં ફંગોળાઈ ફૂટબોલની જેમ ગલોટિયું મારીને પટકાઈ ગઈ હતી. બાદમાં આપોઆપ રિક્ષા ફરી સીધી થઈ ગઈ હતી. ત્યારબાદ ત્યાં આસપાસના લોકો દોડી આવે છે અને રિક્ષાચાલકને સહી સલામત બહાર કાઢવામાં આવે છે.
આ અંગેની વિગત એવી છે કે, 21મી સપ્ટેમ્બરના રોજ બપોરે ચંડોળા તળાવથી નારોલ તરફ જતા રોડ પર એક રિક્ષા ચાલક રિક્ષા લઈને જતો હતો ત્યારે અચાનક રિક્ષાનું આગળનું ટાયર નીકળી ગયું હતું. જેના કારણે રિક્ષા હવામાં ઉછળીને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં રિક્ષા ચાલકનો જીવ અધ્ધર થઈ ગયો હતો. પરંતુ, નજીકમાં અન્ય કોઈ વાહનો ન હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી અને અન્ય ડ્રાઈવરને પણ કોઈ નુકસાન થયું નથી.
જ્યારે રિક્ષાચાલકને સામાન્ય ઈજા થઈ હતી. આસપાસના લોકો રિક્ષા તરફ દોડી ગયા હતા અને રિક્ષાચાલકની મદદ કરી હતી. અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હોવાથી પોલીસ ચોપડે કોઈ નોંધ લેવાઈ નથી. જ્યારે અકસ્માત થયો ત્યારે નજીકની દુકાનના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. જો અન્ય કોઈ વાહન ચાલક સાથે આવું બન્યું હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત. પરંતુ, સદનસીબે કોઈ જાનહાનિ ટળી હતી.