ગણપતપુરા અથવા ગણેશપુરા તરીકે ઓળખાતું ગણેશ મંદિર એ ધોળકા શહેરની નજીક આવેલું પૌરાણિક અને સુપ્રસિદ્ધ મંદિર છે. આ મંદિર ધોળકા તાલુકાના કોઠ ગામ નજીક આવેલું છે. જે ધોળકાથી 20 કિમી, અમદાવાદથી 62 કિમી અને બગોદરાથી 14 કિમી નેશનલ હાઈવે પર આવેલ છે.
આ મંદિરમાં ભગવાન ગણેશની સ્વંયભૂ મૂર્તિ જોઈ શકાય છે. આ મૂર્તિની વિશેષતા એ છે કે, ઘણા મંદિરોમાં ગણપતિની સૂંઢ ડાબી તરફ વળેલી હોય છે જ્યારે આ મૂર્તિમાં નાક જમણી તરફ વળેલું છે. આ સિવાય આ મૂર્તિ એક દંતી અને સ્વયંભૂ પ્રગટ થયેલી છે. આ પ્રતિમા લગભગ છ ફૂટ ઊંચી છે. આ ગણપતિ મંદિરના દર્શન કરવા માટે અમદાવાદથી ઘણી બસો પણ ઉપલબ્ધ છે.
શ્રી સિદ્ધિવિનાયક મંદિર અમદાવાદથી માત્ર 25 કિમી દૂર વાત્રક નદીના કિનારે આવેલું છે. આ મંદિરમાં મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાંથી જ્યોત લાવવામાં આવી હતી. આ મંદિરની સ્થાપના 2011માં કરવામાં આવી હતી. આ મંદિર 6 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલું છે અને જમીનથી 56 ફૂટ ઊંચું છે. આ મંદિરનો આકાર ભગવાન ગણેશ સ્વરૂપનો છે. મંદિરના નિર્માણમાં ક્યાંય લોખંડ અને સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ મંદિરનું નિર્માણ અંદાજે 14 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે.
એવું માનવામાં આવે છે કે, ગણપતપુરા મંદિરમાં ભગવાન ગણેશ સ્વયં પ્રગટ થયા હતા. વિક્રમ સંવત 933ના અષાઢ વદ-4 ને રવિવારના રોજ હાથેલમાં જમીનમાં કેરડાનાં જાળા ખોદતી વખતે પગમાં સોનાની બંગડીઓ, કાનમાં બુટ્ટી, મુગટ અને માથા પર કંદોરા પહેરેલી ગણપતિ દાદાની મૂર્તિ પ્રગટ થઈ હતી. વર્ષો પહેલા આ સ્થળે જંગલ વિસ્તાર હતો.
જમીનમાંથી મૂર્તિ મળી આવતા કોઠ, રોજકા અને વણફૂટા ગામ વચ્ચે ઘણો વિવાદ થયો હતો. બાદમાં મૂર્તિને ગાડમાં મૂકવામાં આવી ત્યારે ચમત્કાર સર્જાયો. ગાડી બળદ વગર પોતાની જાતે જ આગળ વધવા લાગી અને ગણપતિપુરાની ટેકરી પર આવીને થંભી ગઈ. મૂર્તિ આપોઆપ ગાડમાંથી નીચે ઉતરી ગઈ. ત્યારથી આ સ્થળનું નામ ગણેશપુરા પડ્યું હતું.