હાલમાં સુરતમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરતના સચિન GIDC વિસ્તારમાં પ્રેમીએ જાહેરમાં પ્રેમિકાની ઘાતકી હત્યા કરી છે. 3 વર્ષથી રિલેશનશિપમાં રહેલા બોયફ્રેન્ડે તેની ગર્લફ્રેન્ડની ચપ્પુ વડે હત્યા કરી ફરાર થઈ ગયો હતો. જાહેરમાં થયેલી હત્યાથી સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી જવા પામ્યો છે. બનાવની જાણ થતા પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સચિનના તલંગપુર વિસ્તારની સાંઈ દર્શન સોસાયટીમાં 20 વર્ષીય નીલુ ગુલાબશંકર વિશ્વકર્મા પરિવાર સાથે રહેતી હતી. સોસાયટીમાં બાજુમાં રહેતા 20 વર્ષના શૈલેષ વિશ્વકર્મા સાથે નીલુનું અફેર હતું. બંને એક જ ગામના વતની છે. શૈલેષ છેલ્લા ત્રણ વર્ષથી નીલુના પ્રેમમાં હતો.
શૈલેષ નીલુ સાથે લગ્ન કરવા માંગતો હતો. પરંતુ, જ્યારે નીલુએ અન્ય યુવક સાથે લગ્ન કરવાની વાત કરી તો શૈલેષ ચિડાઈ ગયો હતો. આજે નીલુ ઘરની બહાર સોસાયટીમાં હતી. એટલામાં શૈલેષ દોડતો અંદર આવ્યો. ત્યારે અચાનક શૈલેષ ચપ્પુ વડે નીલુ પર તૂટી પડ્યો હતો. શૈલેષે જાહેરમાં નીલુને છરીના ઘા મારીને તેની હત્યા કરી હતી.
સાંઈ દર્શન સોસાયટીમાં નીલુની ઘાતકી હત્યા કરીને શૈલેષ ભાગી ગયો હતો. સોસાયટીમાં જ પ્રેમી દ્વારા પ્રેમિકાની હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી જવા પામ્યો હતો. ઘટનાની માહિતી મળતાં જ મોટી સંખ્યામાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ પોલીસ દ્વારા આરોપી પ્રેમી શૈલેષ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપીને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી રહી છે.
પરિવારે જણાવ્યું કે, ગુલાબશંકર વિશ્વકર્મા છેલ્લા 12 વર્ષથી આ સોસાયટીમાં રહે છે. તેમના 4 બાળકો છે. જેમાં નીલુ બીજી દીકરી હતી. આરોપી શૈલેષ એમ્બ્રોઇડરીનું કામ કરે છે. શૈલેષ અને તેના પિતાએ અગાઉ પણ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. નીલુની સગાઈની વાત ચાલતી હતી. હાલ તો અમને ખબર નથી કે શૈલેશે નીલુની હત્યા શા માટે કરી.