સુરત શહેરના રાંદેર વિસ્તારમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક મહિલાએ તેના બે બાળકોને ફાંસી આપીને પોતાનો જીવ આપ્યો અને પછી પોતે પણ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, પતિ-પત્ની વચ્ચે ઘણા સમયથી અણબનાવ ચાલતો હતો. જેના કારણે પત્નીએ આ પગલું ભર્યું છે.
ઘટનાની વિગતે વાત કરીએ તો આ ઘટના સુરતના રાંદેરમાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની કોલોનીમાં બની હતી. અહીં રહેતી રીટાદેવી નામની મહિલાએ પોતાની 11 વર્ષની પુત્રી અંશીતા અને પાંચ વર્ષના પુત્રને ઘરમાં ફાંસી આપીને બંનેનો જીવ લીધો હતો.
ત્યારબાદ રીટાદેવીએ ઘરમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. રાંદેરમાંથી સામૂહિક આપઘાતની ઘટના પ્રકાશમાં આવતાં જ ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. બાદમાં પોલીસ દ્વારા મૃતક મહિલા અને તેના બે બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા.
હાલ પોલીસ દ્વારા આ સમગ્ર ઘટના અંગે હત્યા અને આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, રીટાદેવીના લગ્ન રાજેન્દ્રકુમાર પ્રસાદ નામના વ્યક્તિ સાથે થયા હતા. રાજેન્દ્ર પ્રસાદ કરિયાણાની દુકાન ચલાવતા હતા. મુન્ના પ્રસાદ નામનો યુવક તેની દુકાન પર કામ કરતો હતો.
આ દરમિયાન, રીટાદેવી અને મુન્નો બંને પ્રેમ સંબંધમાં હતા. આ પછી રીટા દેવીએ તેના પતિને છૂટાછેડા આપીને મુન્ના સાથે લગ્ન કર્યા. આ પછી રીટા દેવી તેના બીજા પતિ મુન્ના સાથે નેપાળના કાઠમંડુમાં રહેતી હતી. ત્યારબાદ લગભગ એક વર્ષ પહેલા બંને કામ અર્થે સુરત આવ્યા હતા. અહીં તેઓ સુરત હાઉસિંગ બોર્ડમાં રહેતા હતા.
રીટા દેવીએ આવું પગલું કેમ ભર્યું તેની હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. પરંતુ, એવું કહેવામાં આવી રહ્યું છે કે પતિ સાથે મતભેદના કારણે રીટા દેવીએ આ પગલું ભર્યું છે અને હવે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.