આજકાલ સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેને જોઈને કોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે તો કોઈક હસી પણ પડે છે. હાલમાં જ દિલ્હીથી આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક રિક્ષા ચાલક ટ્રાફિક જામથી બચવા માટે ભીડવાળા ફૂટઓવર બ્રિજ પર રિક્ષા લઈ ચઢાવી દે છે.
આ ઘટના હમદર્દ નગર રોડ લાઇટ સંગમ વિહાર ટ્રાફિક સર્કલ ખાતે બની હતી. તમને જણાવી દઈએ કે, ફૂટ ઓવરબ્રિજ નીચે રોડ પર જામમાં રિક્ષા ચાલક ફસાઈ ગયો હતો. ટ્રાફિકથી બચવાના પ્રયાસમાં તેણે ફૂટપાથ પર રિક્ષા ઊભી રાખી અને ફૂટઓવર બ્રિજના પગથિયાં પર રિક્ષા ચઢાવી દીધી. તમે વીડિયોમાં જોઈ શકો છો કે, જ્યારે ડ્રાઈવરે રિક્ષાને બ્રિજ પર હંકારી હતી ત્યારે રિક્ષામાં કોઈ પેસેન્જર નહોતું.
#delhi : 😲 Autowala Took His auto in Foot over bridge to avoid traffic in Delhi. #viralvideo pic.twitter.com/5tcJN2C2oY
— Bored Journalist (@boredjourno) September 3, 2023
જોકે, અન્ય વ્યક્તિ ડ્રાઈવરને સીડી ઉપર ચઢવામાં મદદ કર્યા બાદ રિક્ષામાં બેસતી જોઈ શકાય છે. આ દરમિયાન ફૂટ ઓવરબ્રિજ પર ચાલતા લોકો આ જોઈને ચોંકી ગયા હતા, ત્યારબાદ ત્યાંથી ચાલતા લોકોએ રિક્ષાચાલકને આગળ જવા માટે જગ્યા આપી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ દિલ્હી પોલીસ દ્વારા રિક્ષાને જપ્ત કરવામાં આવી હતી. સંગમ વિહારના રહેવાસી 25 વર્ષીય રિક્ષાચાલકની ધરપકડ કરવામાં આવી હતી.
રિક્ષાચાલકને મદદ કરનાર અને રિક્ષામાં બેઠેલા વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. તેની ઓળખ સંગમ વિહારના રહેવાસી અમિત તરીકે થઈ છે. આ ઘટના 3 સપ્ટેમ્બરે બની હતી. ધરપકડ કરાયેલા રિક્ષાચાલકનું કહેવું છે કે, તેણે આત્યંતિક પગલું ભર્યું કારણ કે તેની માતા બીમાર પડી હતી અને તેને હોસ્પિટલમાં લઈ જવી પડે તેમ હતી.