આજકાલ અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે ફરીવાર અમદાવાદના સરખેજ-ગાંધીનગર હાઈવે પર એક અકસ્માત સર્જાયો છે. જેમાં ગોતા પુલ પર એક આખલો કાર સાથે અથડાતા કારનું બોનેટ તૂટી ગયું હતું. આ દરમિયાન, લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. પરંતુ લોહીથી લથબથ ડ્રાઈવરે કારમાંથી બહાર નીકળતા પહેલા કાર આગળ અને પછી પાછળ હંકારી હતી. બીજી તરફ આખલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
જણાવી દઈએ કે, જ્યારે કાર અથડાઈ ત્યારે તેનું બોનેટનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને કારની વિન્ડશિલ્ડના કાચ કારચાલકને વાગ્યા હતા. જેના કારણે તે લોહી-લુહાણ થયો હતો. અકસ્માત બાદ ત્યાંથી પસાર થતા વાહનચાલકો થંભી ગયા હતા અને ઘાયલ ચાલકની મદદે આવ્યા હતા. જોકે ડ્રાઈવર કારમાંથી બહાર નીકળી રહ્યો ન હતો અને કારમાં જ બેઠો હતો.
મદદ માટે આવેલા લોકોએ જ્યારે ડ્રાઈવરને બહાર નીકળવાનું કહ્યું ત્યારે બહાર નીકળવાને બદલે ડ્રાઈવરે પહેલા તો ત્યાં ઉભેલી લોકોની ભીડ હોવા છતાં કાર દસ ફૂટ આગળ ચલાવી પરંતુ કારને નુકસાન થતાં તે આગળ જઈ શકી નહોતી. અને તેની સામે એક મૃત બળદ પણ પડેલો હતો. જેથી લોકોએ બૂમો પાડીને કહ્યું કે, ગાડી આગળ નહીં વધે તમે નીચે ઉતરો. જેથી ચાલકે વાહન રિવર્સમાં લીધું હતું.
ડ્રાઈવરને બહાર નીકળવા વિનંતી કરીને તે બહાર નીકળ્યો અને પોતાનું નામ બળદેવ જણાવ્યું હતું. તેણે એ પણ જણાવ્યું કે, તે ઈસ્કોન બ્રિજ પાસે એક ખાનગી આઈટી કંપનીમાં કામ કરતો હતો. બળદેવને તેના પરિવારને ફોન કરવા કહ્યું ત્યારે તેણે કહ્યું કે મારી પત્ની ઘરે છે પણ હું તેને ફોન કરીશ તો તે ટેન્શનમાં આવી જશે. હું કોઈને બોલાવવા માંગતો નથી. આ દરમિયાન હાજર લોકોએ 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી, એમ્બ્યુલન્સ પહોંચી હતી અને ઇજાગ્રસ્તને સારવાર માટે સોલા સિવિલમાં લઈ જવામાં આવ્યો હતો.
ઈસ્કોન બ્રિજની ઘટનાએ અમદાવાદીઓ પર ઊંડી અસર છોડી છે, તેનું ઉદાહરણ અહીં પણ જોવા મળ્યું. ડ્રાઈવરને ઈજા થઈ હોવા છતાં પણ કાર આગળ વધી રહી હતી અને પછી રિવર્સ લેતા ઘટનાને જોવા માટે બ્રિજ પરના વાહનો ધીમા પડી ગયા હતા. જેથી ત્યાં હાજર લોકો એકબીજાને કહી રહ્યા હતા કે બધા ભાઈઓ ડિવાઈડર પર ઉભા રહો કોઈ રસ્તા પર ઊભા ન રહેશો તથ્યવાળી ન થાય જોજો.