આજકાલ આત્મહત્યાના વધી રહેલા બનાવો દરમિયાન ફરીવાર એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં રાજકોટમાં રહીને બેચએમએસનો અભ્યાસ કરતી તબીબની વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું હતું. મળતી માહિતી મુજબ, મૃત્યુ પામેલી યુવતીનું નામ સંગીતા હતું. સંગીતા મૂળ સિહોરના રામગઢની વતની અને છેલ્લા ચાર વર્ષથી રાજકોટના સાધુ વાસવાણી રોડ પર અંજતા પાર્કમાં રૂમ રાખીને રહેતી હતી.
મળતી માહિતી મુજબ, સંગીતા જામનગર રોડ પર આવેલી બી.એ ડાંગર કોલેજમાં બીએચએમએસનો અભ્યાસ કરતી હતી. ત્યારે ગઈકાલે રાત્રે સંગીતાએ પંખામાં ચૂંટણી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી જવા પામી હતી.
સમગ્ર ઘટના બાદ યુનિવર્સિટી પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. સંગીતાના મોતના સમાચાર પરિવારના સભ્યોને મળતા જ હસતા ખેલતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે, સંગીતાના ગામના એક યુવાનનું નામ પ્રદીપ છે. સંગીતાએ પ્રદીપને પોતાનો ભાઈ બનાવ્યો હતો.
ગઈકાલે રાત્રે 10:45 વાગ્યાની આસપાસ સંગીતાએ પોતાના ભાઈને ફોન કરીને મળવા માટે બોલાવ્યો હતો. આ દરમિયાન, સંગીતા ધાબા ઉપર હતી. બાદમાં પ્રદીપે તેને સુઈ જવા કહ્યું હતું અને પછી તે ત્યાંથી નીકળી ગયો હતો. ત્યારબાદ રાત્રે લગભગ એક વાગ્યાની આસપાસ સંગીતાએ પોતાના વોટ્સએપમાં સ્ટેટસ મૂક્યું હતું કે, જેમાં તેને લખ્યું હતું કે “પપ્પા હું જાઉં છું, હું જિંદગીથી કંટાળી ગઈ છું.”
આ સ્ટેટસ જોઈને પ્રદીપ તાત્કાલિક સંગીતાના રૂમ પર પહોંચ્યો હતો. ત્યારે રૂમમાં સંગીતા લટકતી હાલતમાં જોવા મળી હતી. બાદમાં પ્રદિપે આ ઘટનાની જાણ 108ની ટીમને કરી હતી. પરંતુ, ત્યાં સુધીમાં તો સંગીતાનું મોત થઈ ગયું હતું.
ઘટનાની માહિતી મળતા જ પોલીસ પણ તત્કાલિકપણે પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે આવી પહોંચી હતી. જાણવા મળ્યું છે કે, સંગીતાએ સુસાઇડ કરતા પહેલા તેનો ફોન પાણીની ડોલમાં નાખી દીધો હતો. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.