હાલમાં મહારાષ્ટ્રમાંથી એક ભયાનક લિફ્ટ અકસ્માત સામે આવ્યો છે. જેમાં 7 મજૂરોના કરૂણ મોત થયા છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. ખાસ વાત એ છે કે, 40 માળની ઈમારતમાં વોટરપ્રૂફિંગનું કામ કરતી વખતે કામદારો લિફ્ટમાં નીચે જઈ રહ્યા હતા.
આ દરમિયાન, લિફ્ટ તુટી જતાં ભારે હોબાળો મચી ગયો હતો. દુર્ઘટનાની માહિતી મળતા જ વહીવટીતંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચ્યું હતું અને તેઓએ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. જાણવા મળ્યું છે કે, અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, આ દુર્ઘટનામાં 7 શ્રમિકોના દર્દનાક મોત નિપજ્યાં છે અને હાલ મૃતકોની ઓળખમાં 32 વર્ષીય મહેન્દ્ર ચૌપાલ, 21 વર્ષીય રૂપેશ કુમાર દાસ, 47 વર્ષીય હારૂન શેખ, 35 વર્ષીય મિથિલેશ, 38 વર્ષીય કરીદાસ અને 21 વર્ષીય સુનીલ કુમાર તરીકે થઈ છે. સાતમા મૃતકની ઓળખ હજુ સુધી થઈ નથી.
#WATCH | Five people died, and a few were injured after a lift collapsed in Maharashtra’s Thane: Thane Municipal Corporation pic.twitter.com/AuDiVms1aW
— ANI (@ANI) September 10, 2023
ઘટના અંગે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, લિફ્ટમાં કુલ 7 શ્રમિકો હતા અને તે દરેકના મોત નિપજ્યાં છે. ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કરીને જણાવ્યું કે, ‘થાણેમાં લિફ્ટ દુર્ઘટના ખૂબ જ દુઃખદ બની છે. હું આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોના પરિવારો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરું છું અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરું છું.
મળતી માહિતી મુજબ, ગઈકાલે થાણેમાં આવેલી રુનવાલ નામની નવ નિર્મિત 40 માળની બિલ્ડિંગમાં કામગીરી ચાલી રહી હતી. આ બિલ્ડિંગની છત પર વોટર પ્રૂફિંગનું કામ ચાલતું હતું. આ દરમિયાન, બિલ્ડિંગમાં કામ કરી રહેલા શ્રમિકો તેમનું કામ પુરુ કરી લિફ્ટમાં નીચે આવી રહ્યા હતા. આ દરમિયાન, લીફ્ટ અચાનક ધડામ કરતા નીચે પછડાઈ હતી. પ્રાથમિક તપાસ અનુસાર પોલીસે જણાવ્યું કે, લિફ્ટનું દોરડું તૂટવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો. અધિકારીઓએ કહ્યું કે, હાલ આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.