હાલ ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના બાબેરુમાં ગઈકાલે રાત્રે એક લગભગ નવ વાગ્યાની આસપાસ ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં કિશોરને વીજ કરંટ લાગ્યો હતો જેથી આઠ લોકો બોલેરોમાં તેને સીએચસી તરફ લઈ જઈ રહ્યા હતા. ત્યારે બાબેરુ-કમાસીન રોડ પર પરૈયા દઈ જગ્યા પાસે રાત્રે 9 વાગ્યાના સમયે એક ઝડપી બોલેરો રોડની બાજુમાં પાર્ક કરેલા ટ્રક સાથે ટકરાઇ હતી. આ અકસ્માતમાં એક મહિલા સહિત છ લોકોના મોત નિપજ્યાં છે. ત્યારે બે લોકોને ગંભીર હાલતમાં જિલ્લા હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. મોડી રાત્રે ડીએમ દુર્ગા શક્તિ નાગપાલ અને એસપી અભિનંદન પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
મળતી માહિતી મુજબ, તિલોસા ગામના રહેવાસી ગુચ્છીના 15 વર્ષીય પુત્ર કલ્લુને વીજ કરંટ લાગતાં માતા અને કાકા સહિત આઠ લોકો બોલેરોથી સીએચસી તરફ જઈ રહ્યા હતા. બોલેરો બાબેરુ નગરથી લગભગ બે કિલોમીટર આગળ પરૈયા દાઈ દેવ સ્થાન નજીક પહોંચતા જ તેજ ગતિએ રોડની સાઈડમાં પાર્ક કરેલી ટ્રક સાથે પાછળથી ટકરાઇ હતી. આ જોરદાર અથડામણમાં બોલેરોને ભારે નુકસાન પહોંચ્યું હતું.
અકસ્માત સમયે બોલેરોની સ્પીડ 100થી વધુ હોવાનો અંદાજ છે. જેના કારણે વાહનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જ્યારે ત્યાંથી પસાર થતા લોકોએ આ ભયાનક અકસ્માત જોયો ત્યારે તેમના પણ ચોંકી ઉઠયા હતા. તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી અને ગ્રામજનો સાથે મળીને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, વાહનને ખરાબ રીતે નુકસાન પહોંચ્યું હતું, તેથી કોઈ મદદ કરી શક્યું નહોતું.
કોતવાલી પ્રભારી પંકજ સિંહ તેમની ટીમ સાથે પહોંચ્યા અને ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં ત્રણના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. અન્યને કટરથી બોલેરો કાપીને બહાર કાઢીને સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરો દ્વારા અન્ય ત્રણને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મૃતકોની ઓળખ કલ્લુ, તેની માતા શાયરા બાનો, કૈફ, મુજાહિદ, શાકિર તરીકે થઈ છે, જ્યારે મોડી રાત્રે એકની ઓળખ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
કોતવાલી પ્રભારી પંકજ સિંહે જણાવ્યું કે, અત્યાર સુધીમાં મહિલા સહિત છ લોકોના મોત નિપજ્યાં છે. ઝાહિદ અને જાહિલને ગંભીર હાલતમાં જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. તિલુસાથી પહોંચેલા ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું કે, ગામના રહેવાસી અકબરનો પુત્ર અસીમ વાહન ચલાવી રહ્યો હતો.
ઘટનાના પગલે સીઓ રાકેશ સિંહ ઉપરાંત વહીવટી અધિકારીઓ સીએચસી પણ ત્યાં આવી પહોંચ્યા હતા. મૃતદેહો એટલી ખરાબ રીતે વિકૃત હતા કે મોડી રાત સુધી તેમની ઓળખ કરવાના પ્રયત્નો ચાલુ હતા. ત્યારે ઘટનાસ્થળ પર નગરજનો અને રાહદારીઓના ટોળા પણ ઉમટી પડ્યા હતા. પોલીસે એમ્બ્યુલન્સ આવવાની રાહ જોઈ નહોતી અને કોતવાલી ઈન્ચાર્જ પોતે જ તેમને પોતાના વાહનમાં બાબેરુ હોસ્પિટલ લઈ ગયા હોવાનું સામે આવ્યું છે.