આજકાલ બેફામ કારચલકોને કારણે ઘણા અકસ્માતો સર્જાય રહ્યા છે. ત્યારે હાલમાં રાજસ્થાનના હનુમાનગઢથી એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક કાર ચાલક એક મહિલાને કારના બોનેટ પર લગભગ 500 મીટર સુધી ઘસડતો જોવા મળે છે. મહિલાને બચાવવા માટે ઘણા લોકો કારની પાછળ દોડતા જોવા મળ્યા હતા. પરંતુ, ડ્રાઈવરે તેની કાર રોકી ન હતી.
વીડિયોમાં જોવા મળે છે કે, મહિલા આગળ આવે છે અને કાર ચાલકને રોકવાનો પ્રયત્ન કરે છે. પરંતુ, ડ્રાઈવરે રોક્યા વગર મહિલાને ટક્કર મારી દીધી અને કારને થોડે દૂર સુધી લઈ ગયો. આ દરમિયાન, મહિલા બૂમો પાડતી રહે છે.
પોલીસે ઘટના અંગે જણાવ્યું કે, આ ઘટના બુધવારે બપોરે હનુમાનગઢના મુખ્ય બસ સ્ટેન્ડ નજીક બની હતી. પોલીસે જણાવ્યું કે, ઘણા સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા બાદ કારનો નંબર સામે આવ્યો. જે રાવલાના કોઈના નામે નોંધાયેલ હતું. આ સમગ્ર ઘટના બસ સ્ટેન્ડની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. હાલમાં પોલીસ મહિલા અને કાર ચાલકને શોધી રહી છે.
પોલીસ અધિકારી વિષ્ણુ ખત્રીએ જણાવ્યું કે, તેમને મીડિયા રિપોર્ટ્સથી ઘટનાની જાણકારી મળી હતી. તેમણે કહ્યું કે, હનુમાનગઢમાં ચાલતી કારના બોનેટ પર એક મહિલા બેઠી હોવાની માહિતી મળતાં જ અમે સીસીટીવી ફૂટેજ પરથી તેની પુષ્ટિ કરી. તેમણે કહ્યું કે, કાર ચાલક અને મહિલા વિશે હજુ સુધી કોઈ માહિતી નથી. અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવી રહ્યો છે. હાલ આ અંગે વધુ તપાસ ચાલુ છે.