નવરાત્રીમાં થશે મેઘરાજાની એન્ટ્રી- 21 થી 24 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં પડી શકે છે સારો વરસાદ

સમાચાર

રાજ્યમાં વરસાદને લઈને હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી આગાહી કરી છે કે, આવતીકાલથી દેશના ઉત્તર-પૂર્વ ભાગોમાં હવામાનમાં પલટો આવશે. રાજ્યમાં 17 થી 19 ઓગસ્ટ દરમિયાન વરસાદ પડી શકે છે.

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 21 થી 24 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સારો વરસાદ પડી શકે છે. 26 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં અને 26થી 31 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડશે. નવરાત્રિ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. મઘા નક્ષત્રમાં અગસ્ત્યનો ઉદય હોવાથી 17 થી 30 ઓગસ્ટ વચ્ચે વરસાદ ખેડૂતો માટે સારો રહેશે.

અહી ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પૂરતો વરસાદ થઈ ચૂક્યો છે અને આગામી દિવસોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. 17 થી 30 ઓગસ્ટ સુધીનો વરસાદ ખેડૂતો માટે મહત્વનો સાબિત થશે. આ વરસાદનું પાણી સારું રહેશે અને પહેલાના સમયમાં મઘ નક્ષત્રનું પાણી સંગ્રહિત થતું હતું. અંબાલાલ પટેલે એમ પણ કહ્યું છે કે, મઘા નક્ષત્રના વરસાદથી ચણાનો પાક સારો થાય છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ, રાજ્યમાં વરસાદના પરિણામે ચાલુ સિઝનનો કુલ સરેરાશ વરસાદ 80.69 ટકા નોંધાયો છે. જેમાં સિઝનનો સૌથી વધુ સરેરાશ વરસાદ કચ્છ ઝોનમાં 136.06 ટકા, સૌરાષ્ટ્રમાં 109.72 ટકા, ઉત્તર ગુજરાતમાં 67.25 ટકા, દક્ષિણ ગુજરાતમાં 71.67 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 64.98 ટકા નોંધાયો છે.

રાજ્યની મહત્વની 207 જળ યોજનાઓમાં 74.24 ટકા જળસંગ્રહ થયો છે. જેમાં 2,58,797 એમ.સી.એફ.ટી. પાણીનો ભંડાર છે. જે કુલ જળ સંગ્રહ ક્ષમતાના 77.47 ટકા છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 73.25 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 49.48 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 75.06 ટકા, કચ્છ ઝોનના 20 જળાશયોમાં 65.68 ટકા તથા સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 83.86 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *