150 ઘેટાં-બકરા ભરેલા ટ્રકમાં ભભૂકી ઉઠી આગ: તમામ ઘેટાં-બકરાં, એક બાળક સહિત ત્રણ લોકો બળીને ભડથું થયા

ગુજરાત

આજે મોડાસાના બામણવાડ નજીક એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં અચાનક 150થી વઘુ ઘેટાં-બકરા ભરેલી એક ટ્રકમાં ભીષણ આગ લાગી હતી જેથી એક બાળક સહિત ત્રણ વ્યક્તિ બળીને ભડથું થઈ ગયા હતા. બકરાં ભરેલી ટ્રક વીજતારને અડી જતાં તેમ આગ ભભૂકી ઊઠી હતી.

મળતી માહિતી મુજબ, આ આગમાં 150થી વધુ ઘેટાં-બકરાં બળીને ખાખ થઈ ગયાં હતાં. ટ્રકમાં સવાર લોકોને બહાર નીકળવાની તક ન મળતા ત્રણેય લોકો ઘટનાસ્થળે જ બળીને રાખ થઈ ગયાં હતાં. આ ઘટનાની જાણ થતાં જ મોડાસાની બે ફાયર ટીમ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

કોઈપણ માલ વાહન હોય તેની ઊંચાઈથી લઈ દરેક પ્રકારના માપદંડ નક્કી હોય છે ત્યારે તેનું યોગ્ય પ્રમાણ જળવાય નહિ તો ક્યારેક મોટી દુર્ઘટના પણ સર્જાઇ શકે છે. અરવલ્લીના મોડાસા તાલુકામાં આવી જ એક મોટી દુર્ઘટના સામે આવી છે. જેમાં બામણવાડ નજીક ટ્રકમાં ભીષણ આગ લાગતા ત્રણ લોકો બળીને રાખ થઈ ગયા હતા.

મળતી માહિતી મુજબ, મોડાસા તાલુકાના શામળાજી હાઇવે નજીક આવેલા બામણવાડ ગામ પાસેથી ઘેટાં બકરાં ભરેલી એક ટ્રક પસાર થઈ રહી હતી. તે દરમિયાન, આ ટ્રક ઓવરહેડ જીવંત વીજતારને અડી જતા ટ્રકમાં અચાનક ભીષણ આગ લાગી હતી.

ટ્રક સંપૂર્ણપણે આગની લપેટમાં આવી જતા ટ્રકમાં ભરેલા 150 જેટલાં ઘેટાં-બકરાં બળીને રાખ થઈ ગયાં હતા. બકરાની જાળવણી માટે ટ્રકમાં રાખવામાં આવેલા એક બાળક સહિત ત્રણ લોકો પણ આગની જ્વાળામાંથી બહાર નીકળી ન શક્યા તેથી તેમના પણ આગમાં બળી જવાના કારણે ત્રણેયનાં મોત નીપજ્યાં હતાં.

સંપૂર્ણ ઘટનાની જાણ મોડાસા નગરપાલિકા ફાયર વિભાગને કરવામાં આવી હતી અને પાલિકા ફાયર વિભાગના અધિકારી હેમરાજસિંહ વાઘેલા સહિતના સ્ટાફ બે ટીમ સાથે ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. મોડાસા અને ટીંટોઇ પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. હાલ આ ઘટનાને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *